News of Friday, 24th January 2025
સુરેન્દ્રનગરમાં કૌટુંબિક ભત્રીજીએ કાકાની જમીન પર કબજો કર્યો

વઢવાણ,તા.૨૪ : સુરેન્દ્રનગર ૮૦ ફૂટ રોડ પર શંખેશ્વર પાર્કમાં રહેતા છેલાભાઈ મંગાભાઈ ભરવાડે ફરિયાદ નોંધાવી હતી કે નવા ૮૦ ફૂટ રોડ પર આવેલા એસટી નગરમાં આવેલી તેમની જમીન જેનો સર્વે નંબર ૨૦૪૨ પૈકી પ્લોટ નંબર ૬૫ છે તે જમીન તા.૨૬.૮.૨૦૨૧ના રોજ તેમણે વેચાણથી લીધી હતી. તે જમીન પર તેમના કૌટુંબિક મોટાભાઈના દીકરી તખુબેન મોતીભાઈ ગમારા દ્વારા કબજો કરાયો હતો.
જેથી તા.૨૮.૧.૨૨ના રોજ છેલાભાઈએ કેસ દાખલ કર્યો હતો. બાદમાં તા.૪.૨.૨૦૨૨ના રોજ સમાધાન કરી સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને જમીનનો કબજો તખુબેને છેલાભાઈને સોપી દીધો હતો. તે જમીન ઉપર કમ્પાઉન્ડ વોલ પણ બનાવેલી છે. છતાં તા.૧.૫.૨૨ના રોજ તખુબેને ગેટના તાળા તોડીને દરવાજાની અંદરના ભાગે જમણી બાજુ છાપરું બનાવીને સંપૂર્ણ જમીન પર ફરી વખત કબજો કરી લીધો હતો. અવારનવાર ખાલી કરવાનું કહેતા તેમણે આ જમીન ખાલી નહીં કરતા છેલાભાઈએ કૌટુંબિક ભત્રીજી તખુબેન સામે એફઆઈઆર દાખલ કરતા બી ડિવિઝન પીલીસ મથક દ્વારા તપાસ ચલાવાઈ રહી છે.
ક્રિકેટનો સટ્ટો રમાડતાં ૨ ઝબ્બે
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે ટીમ બનાવી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી. આથી શહેરના કેરી બજારમાં દરોડો કરાયો હતો. જ્યાં એક દુકાનના ઓટલા પર બેસીને ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા ઇનાયતભાઈ ઈસુબભાઈ રાજાની, અસરફભાઈ જકીરભાઈ મકવાણાને ઝડપ્યા હતા. તેમની પાસેથી મોબાઈલમાં ટેલીગ્રામની એપ્લિકેશનમાં આઈડી પાસવર્ડ દ્વારા સટ્ટો રમાડવાની વેબસાઈટ અને અને ચેટ મળી હતી.
ક્રિકેટ મેચના સટ્ટાનું સાહિત્ય, મોબાઇલ સ્ક્રિન શોટ, રોકડા કુલ રૂ.૧૯૦૦૦ જપ્ત કરવામા આવ્યા હતા. આ તપાસમાં અન્ય શખસનું નામ બહાર આવ્યું હતું. આથી નુરેમહોમદ સોસાયટીના રહેવાસી દુલાભાઈ નામના વ્યક્તિ સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
