<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

અમરેલી લેટર કાંડ પ્રકરણે ગુજરાતના પોલીસવડાને રિપોર્ટ કરવા આદેશ

અમરેલીમાં પાટીદાર યુવતી ઉપરના પોલીસ દમન-અત્‍યાચારના વિરોધમાં નેશનલ હયુમન રાઇટસ કમિશન સમક્ષ ફરીયાદ અન્‍વયે મહિલાના બંધારણીય અધિકારો સંદર્ભે બે અઠવાડીયામાં ડી.જી.પી.ને રિપોર્ટ કરવા હુકમ

રાજકોટ, તા., ર૩: અમરેલી શહેર પોલીસકર્મી ધ્‍વારા પાટીદાર યુવા દિકરી સાથે કરવામાં આવેલ દમન બાબતે એક નવો વળાંક આવેલ છે. જેમાં નેશનલ હ્યુમન રાઇટસ કમિશને પોલીસ વડાને રિપોર્ટ કરવા આદેશ આપતા ચકચાર જાગી છે.

અમરેલીના પાટીદાર સમાજની દીકરી સાથે થયેલ પોલિસ દમન બાબતેના  ગુજરાતના અલગ-અલગ અખબારોમાં તા. ૦૧/૦૧/૨૦૨૫ના રોજ પ્રસિધ્‍ધ થયેલ જે ન્‍યુઝ રીપોર્ટ પ્રમાણે ભોગ બનનાર મહીલાની ધરપકડ અંગે નોંધાયેલી ફરીયાદ અનુસંધાને મધરાત્રે ધરપકડ કરવામાં આવેલ, તેણીનો ચહેરો ખુલ્લો રખાવી પ્રેસ કોન્‍ફરન્‍સ કરવામાં આવેલ અને ક્રાઈમ સીન રીક્રીએશનના બહાને તેણીની જાહેરમાં પરેડ/સરઘસ કાઢ વામાં આવેલ હતું.

ઉપરોકત સમાચાર અખબારોમાં પ્રસિધ્‍ધ થયા બાદ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા બ્રિજ વિકાસ શેઠ, એડવોકેટ એ ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડીયાના તા. ૦૧/૦૧/૨૦૨૫ના અખબારી રીપોર્ટ સાથે નેશનલ હયુમન રાઈટ કમીશન, ન્‍યુ દિલ્લી સમક્ષ માનવીય અધિકારોના ઉલ્લંઘન બાબતે જવાબદાર પોલીસ અધિકારીઓએ કાયદાના પ્રબંધો, સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ તથા નેશનલ હયુમનરાઈટસ કમિશનની ગાઈડલાઈન વિરૂધ્‍ધ મહીલા પ્રજાજનના બંધારીણીય હકકો અને માનવ અધિકાર ઉપર પોલીસના અતીક્રમણ બાબતે ફરીયાદ કરેલ છે. જે તે ફરીયાદમાં તેમણે ભોગ બનનાર દિકરી અને તેને વેઠેલી તકલીફો તેમજ પોલીસ તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા તેની સાથે કરવામાં આવેલ ગેરકાયદેસર, અપમાનજનક, ગેરબંધારણીય તેમજ માનવીય અધિકારનો સરેઆમ ભંગ થયા બદલ ભોગ બનનાર દિકરીને ન્‍યાય આપવા માટે નેશનલ હયુમન રાઈટસ કમિશનને અરજી કરેલ હતી.

નેશનલ હયુમન રાઈટસ કમિશને સમક્ષ આ ફરીયાદ તા. ૨૨/૦૧/૨૦૨૫ના રોજ મુકવામાં આવેલ. તેમાં જવાબદારોને આદેશ કરી ફરમાવેલ છે કે, રજુ થયેલ ન્‍યુઝ રીપોર્ટની વિગતો જો ખરી હોય તો માનવીય અધિકારોના ભંગનો ગંભીર  પ્રશ્ન ઉપસ્‍થિત થાય છે. જેથી નેશનલ હયુમન રાઈટ કમીશન સ્‍યુ મોટો-આપ ખુદ સતાની રૂએ આ મેટરનું કોગ્નીઝન્‍સ લ્‍યે છે. અને ડાયરેકટર જનરલ ઓફ પોલિસ ગુજરાતને બે અઠવાડીયામાં રીપોર્ટ મંગાવવા આદેશ કરેલ છે. અને વિશેષ આદેશ કરેલ છે કે જરૂરી માહિતીઓ અને રીપોર્ટ ચાર અઠવાડીયામાં કમિશન સમક્ષ રજુ કરવા તેમ પણ આદેશમાં જણાવેલ છે.

ઉપરોકત હયુમન રાઈટસ કમીશન સમક્ષની કાર્યવાહી પ્રજાના બંધારણીય અધિકારોમાં રક્ષણાર્થે કોઈપણ જાતના પુર્વગ્રહ વગર ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા યુવા એડવોકેટ બ્રિજ વિકાસ શેઠ એ કરેલ છે.

(1:01 PM IST)