તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
અમરેલી પાયલ ગોટી વિવાદ બાદ પહેલીવાર ધારાસભ્ય કૌશિક વેકરિયા અને પરેશ ધાનાણી એક મંચ પર દેખાયા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમરેલીમાં 100 બેડની મલ્ટીસ્પેશિયાલિટી ધર્મજીવન હોસ્પિટલનો પ્રારંભ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન, રાજકોટ દ્વારા અમરેલીના જેસીંગપરામાં નિર્મિત 100 બેડની ધર્મજીવન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરાવ્યો હતો. ત્યારે અમરેલી બનાવટી લેટરકાંડ અને પાયલ ગોટી વિવાદ બાદ પહેલીવાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી અને ભાજપના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા એક મંચ પર જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા અને અમરેલીના સાંસદ ભરત સુતરિયાને પાયલ ગોટીના વિવાદ મુદ્દે પોતાનો અભિપ્રાય જણાવવાની રજૂઆત કરી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા, રાજકોટ સાંસદ પરષોત્તમ રૂપાલા, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયા, ધારાસભ્ય જનક તળાવિયા સહિતના મહાનુભાવો અને સંતઓએ નવનિર્મિત ધર્મજીવન હોસ્પિટલમાં આરોગ્યલક્ષી અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, માનવ જીવન માટે સૌથી જરુરી અને મહત્વપૂર્ણ ઉત્તમ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર છે. સમાજ અને રાષ્ટ્ર કલ્યાણ માટે જરુરી એવા પરિમાણો રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનના માધ્યમથી નાગરિકોને પ્રાપ્ત થઈ રહ્યા છે.
ભાવિ પેઢીના નિર્માણ માટે શિક્ષા, સ્વાસ્થ્ય અને સંસ્કારની શ્રેષ્ઠ પરંપરા ચાલતી રહે તે રાષ્ટ્ર ઉન્નતિ સાધે છે. ગુજરાતની ભૂમિએ અનેક મહાપુરુષો આપ્યા છે, તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રીઓ સમાજ અને નાગરિકોના કલ્યાણ માટે પોતાનું મોટું યોગદાન આપી રહ્યા છે. આ ઉપરાંત ગૌ માતાના જતન-સંવર્ધન, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ સહિતના સમાજ ઉત્કર્ષ અને રાષ્ટ્ર કલ્યાણના કાર્યો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે.
રાજ્યપાલે ઉમેર્યુ હતું કે, અમરેલીના આસપાસના વિસ્તારમાં જેની જરુરિયાત હતી, તેવી અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં હોય તેવી અદ્યતન સુવિધાસભર હોસ્પિટલની આ સંતોએ અમરેલીને ભેટ આપી છે. આ હોસ્પિટલ નિર્માણના પવિત્ર કાર્યમાં સહયોગ આપનાર દાતાઓને રાજયપાલે બિરદાવ્યા અને અભિનંદન આપ્યા હતા.
રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિની હિમાયત કરતાં કહ્યું કે, નાગરિકોને સારુ સ્વાસ્થ્ય મળી રહે તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે. પ્રાકૃતિક કૃષિથી નાગરિકોનું આરોગ્ય સુધરશે તે સાથે હોસ્પિટલનું ભારણ પણ ઘટશે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિથી પર્યાવરણ, પાણી અને પ્રકૃતિનું જતન થશે અને ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થશે. તે ઉપરાંત રાસાયણિક ખાતર માટે ખર્ચ થતો પણ બચશે. આમ, પ્રાકૃતિક કૃષિના એક કામ દ્વારા અનેક કલ્યાણના કાર્યો થશે.
અન્ન સાથે મનનો સીધો સંબંધ ગણાવતા તેમણે શુદ્ધ ખાન-પાનની આદત કેળવવાનો આગ્રહ કરતાં કહ્યું કે, નાગરિકો બિમાર હોય ત્યારે તેમનો જે સહારો બની સેવા કરે તે નારાયણની સેવા બની જાય છે. રાજ્યપાલે ગાયના સંવર્ધન માટે કાર્ય કરનાર તત્કાલીન કેન્દ્રીય મંત્રી અને રાજકોટ સાંસદ પરષોત્તમ રૂપાલાને અભિનંદન આપતાં કહ્યું કે, ઉન્નત કક્ષાના બ્રીડની ટેકનોલોજીથી ગાયોનું જતન-સંવર્ધન થશે તે સાથે પ્રાકૃતિક કૃષિને પણ વેગ મળશે.
આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમત ગમત મંત્રી મનસુખ માંડવીયાએ, સમાજ જીવન અને વ્યવસ્થાપનના 'ભારતીય મોડલ' વિશે સવિસ્તર ઉદ્ધોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, 'ગુરુકુળો એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. આ સંસ્થાનો દ્વારા સમાજની પ્રગતિ અને આરોગ્યલક્ષી સેવાના કાર્યો થઈ રહ્યા છે. ભારતમાં આરોગ્ય એ સેવાનો વિષય છે. ભારતમાં સાધુ-સંતશ્રીઓ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આરોગ્ય સેવાની આગવી પરંપરા રહી છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કોરોનાકાળ જેવા સમયે આપણી પરંપરા આધારિત કોવિડ મેનેજમેન્ટનું 'ભારતીય મોડલ' આપ્યું, જેના થકી તબીબો, પેરામેડિકલ્સ સ્ટાફનું મનોબળ મજબૂત થયું.
મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવા જ 'ભારતીય મોડલ' પર કાર્યરત છે. રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીની આહલેક જગાડી અને જનજાગૃત્તિનું કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે તેમણે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકળ દ્વારા નિર્મિત ધર્મજીવન હૉસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્યની કાળજી લેવાની કામગીરી ઉત્તમ રીતે થશે તેવી શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે સંત કૃષ્ણચરણદાસ સ્વામી, સંત ધર્મવલ્લભ સ્વામી અને સંત દેવકૃષ્ણદાસ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બબોધન કર્યું હતું. ધર્મજીવન હોસ્પિટલના સફળ સંચાલન અને દર્દીઓ સહિત માનવ કલ્યાણ માટે સમૂહ પ્રાર્થના પણ આ પ્રસંગે કરવામાં આવી હતી. અમરેલી ખાતે ધર્મજીવન હોસ્પિટલના નિર્માણ માટે આર્થિક સહયોગ આપનાર દાતાઓનું સંતોના હસ્તે સન્માન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.
અમરેલી સ્થિત નવનિર્મિત ધર્મજીવન હોસ્પિટલના ઉદ્ઘાટન - લોકાર્પણ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન સંત દેવપ્રસાદ સ્વામી, સુરત ગુરુકુળ સંસ્થાના સંત ધર્મવલ્લભ સ્વામી, અન્ય સંતગણ, નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, લાઠી-બાબરા ધારાસભ્ય જનક તળાવિયા, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંમર, પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિન કુંજડિયા, જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડયા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અગ્રણીઓ, અધિકારીઓ, સમાજશ્રેષ્ઠીઓ, દાતાઓ, બહોળી સંખ્યામાં હરિભક્તો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
