<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

ગીર સોમનાથના કોડિનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે સ્થાનિક ખેડૂતો સાથે રાજ્યપાલનો પ્રાકૃતિક કૃષિ વિષે સંવાદ : ખેડૂતો ગભરાયા વિના પ્રાકૃતિક ખેતી અપનાવે, યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન વધે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

મૂળ દ્વારકા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા સરકારી યોજનામાં સંતૃપ્તિ કેમ્પની મુલાકાત લઈ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

રાજકોટ તા.૧૫ :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે સ્થાનિક ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ વિષે સંવાદ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્ત્વ સમજાવી ગુરૂદક્ષિણામાં પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી માંગી હતી. પ્રશ્નોત્તરીના માધ્યમથી તેમણે ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંગેની મૂંઝવણ જાણી તેનો ઉકેલ પણ રાજ્યપાલશ્રીએ આપ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સમક્ષ પ્રાકૃતિક કૃષિની પોતાની અનુભવસિદ્ધ સફળતા વર્ણવતાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી કર્યા પછી જ હું પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું. હવે રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મળે છે.  પરિવર્તનથી ગભરાવાની જરૂર નથી. ફક્ત તે માટે સાચી દિશામાં પ્રયત્નો કરવાની જરૂર છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન વેગવંતુ બન્યું  છે, એનું એ પરિણામ આવ્યું છે કે,‌ ગુજરાતમાં આશરે દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતોને સંબોધતાં જણાવ્યું હતું કે, ઈશ્વરે આપણને ઉત્તમ માનવજીવન આપ્યું છે. મનુષ્યને બાદ કરતાં ધરતી પર કોઈ જીવમાં માણસ જેવી વિચારશક્તિ નથી. આ વિચારને જો સન્માર્ગે વાપરવામાં આવે તો સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. પ્રાકૃતિક કૃષિની મહત્તા સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે, ખરાબ કર્મોથી બચવું જોઈએ અને તમામ માટે કલ્યાણકારી વિચાર આવે એવા પ્રયત્નો કરવા જોઈએ.

અત્યારે સમાજમાં હાર્ટ એટેક, કેન્સર, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ ઝડપથી વધી રહી છે. તેનું કારણ ઝેરયુક્ત આહાર છે. આપણે પાકમાં જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ નાંખીએ છીએ, તે ખેત ઉત્પાદનોના માધ્યમથી આપણાં શરીરમાં જાય છે. કેન્સર, હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીથી બચવાનો ઉપાય પ્રાકૃતિક ખેતીથી જ  છે, તેમ રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક કૃષિ માટે આગ્રહી છે અને પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે સતત પ્રેરણા આપી રહ્યા છે ત્યારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે કે, જેથી લોકોનું સ્વાસ્થ્ય જળવાય અને વાતાવરણ પ્રદૂષિત બનતું અટકે. આ માટે તેમણે પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય ફલક સુધી વિસ્તારવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

રાજ્યપાલશ્રીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા દ્વારા નિર્મિત દેશી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો.

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની જ્યોત પ્રજ્જ્વલિત કરી છે. સમગ્ર રાજ્યના ખેડૂતો તેમાં જોડાઈ રહ્યાં છે. પ્રાકૃતિક ખેતીના આ મહાઅભિયાનમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પણ જોડાયા છે તેમ જણાવી તેમણે ગીર સોમનાથ જિલ્લાની પ્રાકૃતિક કૃષિ, એફ.પી.ઓ, પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રો, પ્રાકૃતિક મોડેલ ફાર્મ વગેરેની વિસ્તૃત જાણકારી આપી હતી.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લાના ખેડૂત જીતુભાઈ સોલંકી અને ભગવાનભાઈ કછોટે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો પોતાનો અનુભવ વ્યક્ત કરતાં ખેતીમાં મૂલ્યવર્ધન, ઉત્પાદનમાં વધારો, જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાપ્સા સહિતની પદ્ધતિઓ, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ વગેરે વિશે જાણકારી આપી હતી.

આત્મા પ્રોજેક્ટ ડિરેક્ટર પુષ્પકાંત સુવર્ણકારે ક્લસ્ટર બેઝ તાલીમ, દેશી ગાય નિભાવ યોજનાના લાભાર્થીઓ, એફ.પી.ઓ., ગૌશાળા, કિસાનજૂથ તેમજ સખીમંડળને અપાતા વિવિધ લાભો વગેરે વિશે રાજ્યપાલશ્રીને અવગત કરાવ્યાં હતાં.

રાજ્યપાલશ્રીએ મૂળ દ્વારકા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા સરકારી યોજનામાં સંતૃપ્તિ કેમ્પની મુલાકાત લઈ  'દિવ્યાંગ કલ્યાણ યોજના', 'ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના', 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના', 'નમોશ્રી પ્રસૂતિ સહાય' વગેરે જેવી સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

રાજ્યપાલશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા સહિત મોટી સંખ્યામાં મૂળ દ્વારકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

પર્યાવરણ બચાવવા પ્રાકૃતિક ખેતી અપનાવો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જ્યારે રાસાયણિક ખેતીમાં પેસ્ટીસાઈડ્સ અને યુરિયા-ડીએપી જેવા ખાતર વાપરવામાં આવે છે, ત્યારે રાસાયણિક ખાતરમાનું નાઈટ્રોજન હવામાંના ઓક્સિજન સાથે ભળે છે ત્યારે નાઈટ્રસ ઑક્સાઇડ નામનો ગેસ ઉત્પન્ન થાય છે. આ નાઈટ્રસ ઑક્સાઇડ  હવામાંના કાર્બન ડાયોક્સાઈડથી 312 ઘણો વધુ ખતરનાક છે. જેથી વાતાવરણ બહોળા પ્રમાણમાં પ્રદૂષિત થાય છે.

આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ, ત્યારે ગ્લોબલ વૉર્મિંગ સર્જાય છે. બરફનાં તોફાન, જંગલમાં આગ લાગવી, વરસાદ ઓછો થવો, વરસાદ વધુ પડવો, સમુદ્રમાં તોફાન સર્જાવાં, અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ અને ભૂકંપ; આ સઘડું પર્યાવરણ બગાડવાનું પરિણામ છે. આ આફતભરી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે સમજદારી દાખવવી જોઈએ અને પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ.

 

(2:32 PM IST)