<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

પતંગની દોરી જીવલેણ:રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 8 લોકોની જીવનદોર કપાઇ: 1200થી વધુ ઇજાગ્રસ્ત

જૂનાગઢ 87, કચ્છ 130, જામનગર 128, મોરબી 75, દ્વારકા, 37, સુરેન્દ્રનગર 74 સાહિત સૌરાષ્ટ્ર કચ્છના શહેર અને જિલ્લાઓમાં 1,237 જેટલા ઉતરાયણને લગતા કેસો: રાજકોટમાં 296, સોમનાથમાં 40, બોટાદમાં 32, ભાવનગરમાં 188 જેટલા ઇજા થવાના કેસો નોંધાયા

સૌરાષ્ટ્ર- કચ્છમાં પતંગોના પર્વમાં ઉજવણીના અતિરેકમાં કુલ આઠ લોકોના જીવનની દોરી કપાઇ ગઇ છે. જયારે અનેક લોકો અને નિર્દોષ પશુ-પક્ષીઓ પતંગના કાતિલ દોરાથી ઘવાયા હતા. કચ્છના ગાંધીધામમાં પતરું તૂટી જતા પિતા-પુત્રી નીચે પટકાયા હતા. જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા 10 મહિનાની પુત્રીનું મોત નીપજ્યું હતું.

ગઇકાલે ઉતરાયણના તહેવારના દિવસે 108 ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સો આખો દિવસ દોડતી રહી હતી. જેમાં રાજકોટમાં 296, સોમનાથમાં 40, બોટાદમાં 32, ભાવનગરમાં 188, અમરેલી, 98, પોરબંદર, 52, જૂનાગઢ 87, કચ્છ 130, જામનગર 128, મોરબી 75, દ્વારકા, 37, સુરેન્દ્રનગર 74 સાહિત સૌરાષ્ટ્ર કચ્છના શહેર અને જિલ્લાઓમાં 1,237 જેટલા ઉતરાયણ ને લગતા કેસો સામે આવ્યા છે.

ઉતરાયણના દિવસે પતંગ- દોરાએ સૌથી વધુ રાજકોટમાં ત્રણ લોકોના ભોગ લીધા હતા. ઘંટેશ્વર વિસ્તારમાં પતંગ ઉડાડતા અગાસી પરથી નીચે પટકાયેલ કશ્યપ વિવેકભાઇ ચંદ્રા નામના 10 વર્ષના બાળક તેમજ થોરાળા વિસ્તારમાં પતંગ ઉડાડતા બીજા માળેથી પટકાતા અયુબખાન પઠાણ (ઉ.18)નું કરૂણ મોત નિપજયું હતું. આ સિવાય દોરા વાગવાથી 296 અને પતંગ ઉડાડતા પડી જવાથી 15 લોકો ઘવાયા હતા.

ચોથા બનાવમાં સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામના ઇશ્વરભાઇ ઠાકોરનું પણ પતંગની દોરીથી મોત થયું હતું. પાંચમા બનાવમાં જામજોધપુરમાં હીના મીલ પાસે પાટણ રોડ પર રહેતા રામાભાઈ રબારી નામનો 14 વર્ષિય તરુણ કપાયેલ પતંગ લેવા વાડીના શેઢે દોડતા કાંટાળી તારમાં રહેલ વીજ શોક લાગતા બનાવ સ્થળે જ મૃત્યુ પામ્યો હતો.

છઠ્ઠો બનાવ કચ્છના ગાંધીધામમા આવેલી શ્રીરામ સોસાયટીમા રહેતા પ્રવીણ મનજીભાઇ પરમાર નામનો યુવાન પોતાની 10 મહીનાની પુત્રી દિયાંશી પરમારને તેડીને અગાસી ઉપરથી નીચે ઉતરતો હતો ત્યારે પતરા ઉપર પગ મુકતા પતરુ તુટી પડયુ હતુ. પતરુ તુટતા પિતા - પુત્રી નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલી 10 માસની બાળકીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમા ખસેડવામા આવી હતી જયા માસુમ બાળકીનુ સારવાર કારગત નિવડે તે પુર્વે જ ફરજ પરના તબીબે જોઇ તપાસી માસુમ બાળકીને નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

સૌરાષ્ટ્ર- કચ્છમાં નોંધાયેલા મોત

  1. પ્રકાશ જયસુખભાઇ સેરસિયા (ઉ. 28) - બેડલા (રાજકોટ)
  2. કશ્યપ વિવેકભાઇ ચંદ્રા (ઉ. 10) - રાજકોટ
  3. અયાનખાન પઠાણ (ઉ. 18) - રાજકોટ
  4. ઇશ્વરભાઇ ઠાકોર - ઓડુગામ (સુરેન્દ્રનગર)
  5. રામાભાઈ કાનાભાઈ રબારી (ઉવ.14) - જામજોધપુર
  6. દિયાંશી પરમાર (10 મહીના) - ગાંધીધામ

તેમજ ભાવનગર જિલ્લાના પાલીતાણા અને મહુવામાં પણ બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

(2:12 PM IST)