તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
પૂનમ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબના ફુલોનો શણગાર-હીરાજડિત મુગટ પહેરાવાયો
શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન : હનુમાનજીદાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ અર્પણ

રાજકોટ તા.૧૩ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે આજે સોમવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. પછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર-હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો હતો. સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે હીરાજડિત મુગટ પહેરાવાયો ગુલાબના ફુલોનો શણગાર કરાયો છે. સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે.
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે.
પૂનમ નિમિત્તે સાંજે 04:15 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.હનુમાનજીદાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:15 કલાકે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
