<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ખીરસરા પાસે આઇસરે બાઇકને ઉલાળતાં ચીભડાના યુવાનનું ઘટના સ્‍થળે જ મોત

પચ્‍ચીસ વર્ષિય દેવા પરમાર સગાના ઘરેથી પોતાના ઘરે જતો હતોઃ બે દિકરીએ પિતા ગુમાવ્‍યા

રાજકોટ તા. ૧૩: લોધીકાના ખીરસરા નજીક લોધીકા જવાના રસ્‍તા પર રવિવારે સાંજે જીવલેણ અકસ્‍માતનો બનાવ બન્‍યો હતો. જેમાં આઇસરની ઠોકરે ચડી જતાં બાઇકચાલક યુવાનનું ઘટના સ્‍થળે જ  કમકમાટીભર્યુ મોત નિપજ્‍યું હતું.  મેટોડાથી બી. એમ. ગોસાઇના જણાવ્‍યા અનુસાર  લોધીકા જવાના રસ્‍તે બાલસરના પાટીયા પાસે આઇસરના ચાલકે બાઇકને ઉલાળી દેતાં બાઇકચાલક ચીભડા ગામના યુવાન દેવાભાઇ નથુભાઇ પરમારને ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયું હતું.  ઘટનાની જાણ થતાં મેટોડા પોલીસ સ્‍ટેશનના યોગીરાજસિંહ જાડેજા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર દેવાભાઇ છુટક મજૂરી કરતાં હતાં. તે સગાના ઘરેથી ચીભડા ગામે પરત જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તેને સંતાનમાં બે પુત્રી છે. પોલીસે આઇસર ચાલક વિરૂધ્‍ધ કાર્યવાહી કરી હતી.

(12:09 PM IST)