<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ચોટીલા પગપાળા પૂનમ ભરવા જઇ રહેલા વિંછીયાના અજમેરના મનહર સોસાનું ‘હિટ એન્‍ડ રન'માં મોત

ચોટીલાના લાખણકા-પિયાવા વચ્‍ચે મોડી રાતે બનાવઃ પિત્રાઇ ભાઇ સુરેશનો નજીવી ઇજા સાથે બચાવઃ મનહરે સારવારમાં રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં અરેરાટીઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૩: વિંછીયાના લાખણકા અને પિયાવા વચ્‍ચે હિટ એન્‍ડ રનની ઘટનામાં અજમેર ગામના યુવાનનું મોત થયું છે. આ યુવાન અને તનો પિત્રાઇ પૂનમ ભરવા પગપાળા ચોટીલા જઇ રહ્યા હતાં ત્‍યારે બંનેને અજાણ્‍યા વાહને ઠોકરે ચડાવ્‍યા હતાં. જેમાં એકનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. બીજાનું મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ વિંછીયાના અજમેર ગામે રહેતો મનહરભાઇ ચોથાભાઇ સોસા (ઉ.વ.૩૭) ગત રાતે બારેક વાગ્‍યે મોટા બાપુના દિકરા સુરેશ વાલજીભાઇ સોસા (ઉ.વ.૧૮) સાથે પગપાળા ચોટીલા પૂનમ ભરવા, દર્શન કરવા જવા નીકળ્‍યો હતો. ત્‍યારે લાખણકા-પિયાવા વચ્‍ચે પહોંચ્‍યા તે વખતે પાછળથી કોઇ વાહનનો ચાલક બંને ભાઇઓને ઠોકરે લઇ ભાગી ગયો હતો. જેમાં સુરેશનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. જ્‍યારે મનહરને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મધરાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

મૃત્‍યુ પામનાર મનહરભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો અને ખેત મજૂરી કરતો હતો. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. આ બનાવને પગલે પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. સિવિલ હોસ્‍પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ચોટીલા પોલીસને જાણ કરી હતી.

અકસ્‍માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલક અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:56 AM IST)