તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
હિમાલય જેવી અનુભૂતિ મને સફેદ રણમાં થઈ: પોડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કચ્છને કર્યું યાદ
૧૯૮૦ માં ધોરડોના રણને જોયું અને મુખ્યમંત્રી બન્યા બાદ સફેદ રણને પ્રવાસન સ્થળ બનાવી રણોત્સવને ઇવેન્ટ બનાવી દીધી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૧ : બ્રોકિંગ ફર્મ ઝેરોધાના સ્થાપક નિખિલ કામથ દ્વારા શરૂ કરાયેલ પોડકાસ્ટ શો માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતમાં કચ્છને યાદ કરી રણોત્સવ અંગે પણ વાત કરાઈ છે. કચ્છના પોતાના પ્રવાસ દરમ્યાનની જૂની યાદોને વાગોળતા આ ઇન્ટરવ્યૂમાં નરેન્દ્રભાઈ કહે છે કે, રણમાં રોકાવવાનું મેં નક્કી કર્યું. છેક છેલ્લે દેખાતા દીવા જેવી લાઈટ પાસે જઈ નહોતો શકતો. એ દરમ્યાન એક ઊંટ સવાર મળ્યો તે એ લાઈટ વાળા છેલ્લા ગામ ધોરડો લઈ ગયો. ત્યાં હું ગુલબેગ નામના સજ્જન વ્યક્તિને મળ્યો. તેમણે કહ્યું આ પાકિસ્તાન બોર્ડરનું છેલ્લું ગામ છે, અહીંથી આગળ વધવું મુશ્કેલ છે, તાપમાન માઈનસ હોય છે. અંદાજે ૨૫ જેટલા ઘર સાથેની મુસ્લિમ વસ્તી ધરાવતા ધોરડોમાં મારો ભારતીય પરંપરા પ્રમાણે આતિથ્ય સત્કાર કરાયો હતો. હું પ્રથમ વાર રણમાં પહોંચ્યો અને એ સફેદ રણ હતું. એ દ્રશ્ય જોઈને મને હિમાલય જેવી જ આધ્યાત્મિક અનુભૂતિ થઈ. હું મુખ્યમંત્રી બન્યો અને રણોત્સવને એક ઇવેન્ટ બનાવી દીધી. પાકિસ્તાન બોર્ડર ઉપરનું છેવાડાનું ગામ ધોરડો આજે ટુરિઝમનું સેન્ટર પોઈન્ટ બની ગયું છે. ધોરડોને હમણાં જ વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે. આ પોડકાસ્ટના પ્રથમ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેક નાના મોટા સંભારણા વાગોળ્યા છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
