<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

અંધાપા પ્રકરણમાં વિરનગર હોસ્‍પિટલના સંચાલકો સામે કાર્યવાહી કરવા રૂરલ એસ.પી.ને રજુઆત

ગત ઓગષ્‍ટ માસમાં ૧૧ દર્દીઓને આંખમાં અંધાપો આવી ગયા બાદ હજુ એજ સ્‍થિતીઃ દર્દીઓની યોગ્‍ય સારવાર કરવા અને જવાબદારો સામે યોગ્‍ય પગલા લેવા માંગણી

રાજકોટ તા.૧૦: જસદણ તાલુકાના જસાપર ગામના ધ્રુવીન કાળુભાઇ ટાઢાણીએ રૂરલ એસપીને લેખીત ફરીયાદ કરી અંધાપા પ્રકરણમાં વિરનગર હોસ્‍પિટલના સંચાલકો સામે કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્‍યું છે કે, અમો અરજદારના દાદા ગોરધનભાઇ જીવરાજભાઇ ટાઢાણીએ, મહુવાના બારિયા સવિતાબેન ઠાકરશીભાઈ, ગોબરભાઇ, મણીબેન, રાજુલાના ચિથરભાઇ, પોલારપરના જસમતભાઇ, પાલીતાણાના ખતીબેન,  સનકડાના પીઠુભાઇ, પાળિયાદના કનકબા, કાટસુરાના બટુકભાઇ તથા વિસાવદરના હારૂનભાઇ વગેરેએ વિરનગર આંખની હોસ્‍પીટલ ખાતે તા.૨૩/૦૮/૨૪ ના રોજ મોતિયાનું ઓપરેશન કરાવેલ હોય તે તમામ અગિયાર દર્દીને આંખમાં અંધાપો આવી ગયેલ હોય તેથી અમો તમામ દર્દીઓએ વિરનગર હોસ્‍પીટલના સંચાલકોને અનેકવાર રજુઆત કરવા છતાં આજસુધી અમોને ન્‍યાય મળેલ નથી.

તેમજ હાલ આ તમામ દર્દીઓને કાયમી અંધાપા સાથે તબિયત પણ લથડી રહી છે. હાલમાં દર્દીઓની સ્‍થિતી એજ હાલતમાં હોય તેઓની યોગ્‍ય સારવાર કરાવવા માંગણી છે અને બેદરકારી દાખવનાર હોસ્‍પિટલના સંચાલકો સામે કાર્યવાહી કરવા અંતમાં ધ્રુવીન ટાઢાણીએ માંગણી કરી છે.

(4:15 PM IST)