<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

કાતિલ ઠંડીનો નવો રાઉન્‍ડ શરૂ થશે મકરસંક્રાંતિ આસપાસ

ઉતરના પવનોને બદલે હવે અરબ સાગરમાંથી વહેતા પવનો ગુજરાતમાં વહેશે જેથી ઠંડી ઘટશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૦: હાલની વેધર સ્‍થિતિ જોઇએ તો નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનું આગમન જમ્‍મુ કાશ્‍મીર આસપાસ થઇ ચુકયુ છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગાત્રો થીજવતી કડકડતી ઠંડી અનુભવાઇ રહી હતી. તેમાં આજથી રાહત થવા પામી છે. કારણ કે નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના આગમનથી ઉતરના પવનો હવે ગુજરાત સુધી નહી આવી શકે. જો કે આ ડબલ્‍યુ ડી ઉતરના પહાડી વિસ્‍તારોમાં એટલા વધુ પ્રમાણમાં સ્‍નો ફોલ નહીં વરસાવી શકે,  જેટલો સ્‍નોફોલ આ પૂર્વેના ડબલ્‍યુ ડી થી વરસ્‍યો હતો. પરંતુ આ વર્તમાન ડબલ્‍યુ ડી ની આડ અસરને પગલે રાજસ્‍થાન સ્‍થિત સાયકલોનિક સકર્યુલેશન બનેલ છે તે અરબ સાગરના ભેજને પોતાની તરફ ખેંચશે. જેને પગલે ગુજરાત પરથી અરબસાગરના પવનો પસાર થતા રહેશે. જે ઉતરના પવનો જેવા ઠંડા નહી હોય પરીણામે આવતા ત્રણ-ચાર દિવસો સુધી આકરી નહીં પણ ગુલાબી ઠંડી જેવો માહોલ રાજયમાં અનુભવાઇ શકે છે.

સ્‍કાયમેટના વાઇસ પ્રેસીડેન્‍ટ મહેશ પલાવતના જણાવ્‍યા અનુસાર (મકરસંક્રાત આસપાસ) ૧૩-૧૪ તારીખથી ફરી ઉતરના પવનો વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આગળ નીકળી ગયા બાદ વહેતાખ થશે અને ફરી કાતિલ ઠંડીનો નવો રાઉન્‍ડ આ સમયે શરૂ થશે. ત્‍યાં સુધી ગુજરાતમાં ઠંડીમાં રાહત અનુભવાશે. જો કે રાજસ્‍થાનના અમુક હિસ્‍સામાં તેમજ ઉતર-મધ્‍યના કેટલાક રાજયોમાં વરસાદી માહોલ છવાશે. તેવું આઇએમડી ફોરકાસ્‍ટ મેપમાં જોવા મળે છે. ગુજરાતમાં ઠંડીનો આગામી રાઉન્‍ડ કેટલો તિવ્ર હશે? તે આ પડેલા વરસાદના પ્રમાણ પર આધારિત રહેશે.

(2:10 PM IST)