<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

યુવતીને ન્‍યાય માટે પરેશ ધાનાણીની આગેવાનીમાં અમરેલીમાં ર૪ કલાકના ધરણાના મંડાણ

પટ્ટાબાજ પોલીસ કર્મચારીઓ સામે પગલા ભરોઃ ભાજપના નેતાઓ સામે પડકાર ફેંકયો પરંતુ કોઇએ પડકાર ન ઝીલ્‍યોઃ ‘ચર્ચાનો ચોરો' કાર્યક્રમમાં આક્રોશ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૯: અમરેલીના લેટર કાંડ મુદ્દે વિધાનસભા વિરોધ પક્ષના પુર્વ નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં આજે સવારના ૧૦ વાગ્‍યાથી અમરેલીમાં ર૪ કલાકના ધરણાના મંડાણ થયા છે અને પટ્ટાબાજ કર્મચારીઓ સામે પગલા ભરવા માંગ ઉઠી છે.

અમરેલીના ભાજપના ધારાસભ્‍ય કૌશીક વેકરીયા સામેના સ્‍ફોટક લેટરકાંડ વધુને વધુ ગંભીર બની રહયો છે. આ પ્રકરણમાં પોલીસ પાટીદાર દીકરી પાયલ ગોટીને મધરાત્રીએ તેણીને ઘેરથી ઉઠાવી લઇ પોલીસ ચોકીમાં લઇ ગઇ હતી. જયા પોલીસે પાયલને પટ્ટાથી માર માર્યાની ફરીયાદ ખુદ પાયલે જ કરી હતી. માત્ર એટલુ જ નહી રિકન્‍સ્‍ટ્રકશનના બહાને પોલીસે પાયલનો ‘વરઘોડો' પણ કાઢયો હતો.

આ મામલાએ સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે. ત્‍યારે કોંગ્રેસે આ મામલાને ઉપાડી લઇ જબરી લડત શરૂ કરી છે. પાયલ ગોટી મુદ્દે કોંગ્રેસના પરેશભાઇ ધાનાણી સહીતના નેતાઓએ આજે બુધવારે અમરેલીના રાજકમલ ચોક (ડો. જીવરાજ મહેતા ચોક ખાતે ‘ચર્ચાનો ચોરો' કાર્યક્રમનું આયોજન કૌશીક વેકરીયા સહીતના ભાજપના  નેતાઓને જાહેર ચર્ચા કરવા  પડકાર ફેંકયો હતો. પરંતુ ભાજપના એકેય નેતાએ આ પડકાર ઝીલવાની હિંમત દેખાડી નહોતી. બીજી તરફ પાયલ ગોટીને પટ્ટા મારનારા પોલીસ કર્મીઓના ‘પટ્ટા' ર૪ કલાકમાં ઉતારી લેવામાં નહી આવે તો ધરણાની ચિમકી આપી હતી.

 અમરેલીના લેટરકાંડમાં દિકરીને ન્‍યાય અપાવવા માટે  વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશભાઇ  ધાનાણીની અગેવાનીમાં આંદોલનનાં મંડાણ થયા છે.

આ અંગે પરેશભાઇ ધાનાણી એ જણાવ્‍યુ હતુ કે, આજે તા. ૮ ને બુધવારે સાંજે ૬ વાગ્‍યે અમરેલીના રાજકમલ ચોકમાં દેવકી સ્‍વરૂપ દિકરીને જેલમાં ધકેલનાર કળીયુગનાં કંસ સાથે જાહેરમાં અસલ પત્રના ચર્ચાનો ચોરો કાર્યક્રમ કરીને પિડીત દિકરી પાયલને ન્‍યાય અપાવવા ઉગ્ર માંગ કરી છે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્‍યુ છે કે, કુંવારી કન્‍યાનો ‘વરઘોડો' કોણે કઢાવ્‍યો ? નિર્દોષ દિકરીને પગે પટ્ટા કોણે મરાવ્‍યા ? ગામે ગામ દારૂની હાટડીયુ કોણે ખોલાવી છે ? પોલીસ પાસેથી ૪૦ લાખનો હપ્તો કોણ લે છે ? શૈત્રુંજીમાંથી રેતીની કોણ ચોરી કરાવે છે ? કોન્‍ટ્રાકટરો પાસેથી કમીશન કોણ ખાય છે ? સ્‍થાનિક સ્‍વરાજના સંસ્‍થાઓનો કબ્‍જો કોણે લીધો છે? ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે ? ચપટી વગાડીને ખોટી ફરીયાદો કોણ કરાવે છે ? વગેરે પ્રશ્‍નોના આરપારની ચર્ચા કરવામાં આવી હતી.

જે અંગે પરેશભાઇ ધાનાણીએ જણાવ્‍યુ હતુ કે પીડીત પાયલને ન્‍યાય અપાવવો અઢારેય વલણનો અવાજ ઉઠાવવો સમાજ શ્રેષ્‍ઠીઓ બહાર આવો, ગુન્‍હેગાર પોલીસના પટ્ટા ઉતરાવો નકલી ફરિયાદ રદ કરાવો ડીજીપીના નેતૃત્‍વમાં ખાસ તપાસ કરાવો, અસલી પત્રના એફએસએલ કરાવો, બધાજ સીસીટીવી ફૂટેજ કબ્‍જે કરાવો પત્રના આરોપો  અંગે જાહેરમાં ચર્ચા કરાવો સહિતની માંગણીઓ સરકાર સમક્ષ છે.

(12:19 PM IST)