<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

જુનાગઢ એસ.પી. હર્ષદ મહેતાની નિવૃતિના ભવ્‍ય રોડ-શોમા લોકપ્રેમ છલકાયો

પ્રજાનો પ્રેમ-સ્‍નેહ સાથેનું આવુ સન્‍માન પહેલીવાર જોયુઃ કલેકટરઃ હોનહાર એસ.પી.નાં સ્‍વૈચ્‍છીક નિવૃતિની ઘટના દુઃખદઃ રેન્‍જ આઇજીઃ જુનાગઢમાં ર જગ્‍યાએ વિદાય સમારોહ યોજાયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૮: સંતોની ભુમિ પર સ્‍વૈચ્‍છિક નિવૃત થયેલ જુનાગઢ એસપી હર્ષદ મહેતાને પોલીસ પરિવાર અને જાહેર જનતા દ્વારા જાજરમાન વિદાય આપવામાં આવ્‍યુ જેમાં એસપી કચેરીએથી પોલીસ પરિવારની પરંપરા મુજબ એસપી હર્ષદ મહેતાની ઇનોવા ગાડીને ફુલથી શણગારી બેન્‍ડપાર્ટી સાથે વાજતેગાજતે રસાવડે ખેંચી જુનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા કેશોદ ડીવાયએસપી બી.સી. ઠક્કર, માંગરોળ ડી.વાયએસપી દિનેશ ગરચર તથા એલસીબી પીઆઇ જે.જે. પટેલ, પી.એસ.આઇ. ડી.કે. ઝાલા, શ્રી વાય.પી. હુડીયા તથા એસઓજી પી.આઇ. પી.કે. ચાવડા, પી.એસ.આઇ. એમ.વી રાઠોડ તેમજ એ ડીવીઝન બી.સી. તથા જીલ્લાભરના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવેલ. અને એસપી કચેરીથી ખુલ્લી જીપમાં રાયજીબાગ ખાતેથી બહાઉદીન કોલેજ સુધી પ્રજાનું સન્‍માન સ્‍વીકારતા શ્રી હર્ષદ મહેતા ગદગદીત થઇ ગયા હતા અને બહાઉદીન કોલેજના પટાગણમાં સાંજે ૭ કલાકે શરૂ થયેલ વિદાયના આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટરશ્રી અનિલ રાણાવાસીયા, ડીડીઓશ્રી નિતીન સાંગવાન, મ્‍યુ.કમિશ્નરશ્રી ઓમપ્રકાશ તેમજ ડીસીએફ અક્ષય જોષી, જીલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્‍મર સહિતના ઉપસ્‍થિત રહયા હતા. અને લોકસાહિત્‍યકાર રાજભા ગઢવીનો લોકડાયરો પણ યોજાયો હતો.

કલેકટરશ્રી અનિલ રાણાવસીયાએ જણાવ્‍યું હતું કે,  પ્રજાનો આ જબ્‍બર પ્રેમ અને સ્‍નેહ જોઇ એટલુ ચોકકસ કહીશ કે મારા કાર્યકાળમાં કોઇ સનિષ્‍ઠ અધિકારીને આવુ સન્‍માન થતા પહેલી વખત જોયુ. આ કાર્યક્રમમાં વિવિધ સામાજીક સંસ્‍થા અને આગેવાનો નગરજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી શ્રી મહેતાને નિવૃતીની શુભેચ્‍છા આપી હતી.

આ તકે મેંદરડા ખાખીમઢી રામજી મંદિરના મહંત પુ.સુખરામદાસબાપુએ પણ એસપીનું સન્‍માન કરેલ. ત્‍યારબાદ રાત્રે ધ ફર્ન લિયો રિસોર્ટ ખાતે રેન્‍જ આઇજીપી શ્રી નિલેશ જાજડીયાના અધ્‍યક્ષસ્‍થાને પોલીસ પરિવાર દ્વારા શ્રી મહેતાનો વિદાય સમારોહ યોજાયો હતો.

જેમાં ગિર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજા તેમજ પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા અને જિલ્લાભરના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ એસપીના પિતાશ્રી બાબુભાઇ મહેતા તેમના માતા નર્મદાબેન તથા મોટાભાઇ દિનેશભાઇ તેમજ રસીકભાઇ અને નાનાભાઇ વિનોદભાઇ અને ફુવા પરશુરામભાઇ બોરીસાગર તથા મામા ઘનશ્‍યામભાઇ જોષી સહિતના આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહયા હતા.

આ કાર્યક્રમમાં જુનાગઢ રેન્‍જના  આઇજીપી નિલેશ જાજડીયાએ જણાવ્‍યું હતું કે, હોનહાર એસપી હર્ષદ મહેતાની સ્‍વેચ્‍છીક નિવૃતિએ દુઃખદ બાબત છે તેઓની કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા બાબતે કામગીરી ખુબ સંતોષકારક રહી પરંતુ તેઓએ પોલીસમાં તાલીમમાં હતા ત્‍યારથી જ નિર્ણય કર્યો હતો કે તેઓ ૫૦માં વર્ષે નિવૃતી લેશે ત્‍યારે તેઓનું આગળનું જીવન સુખરૂપ બને તેવી શુભેચ્‍છા આપેલ.

પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્‍યું કે અમે કરાઇ ખાતે તાલિમમાં હતા દરમ્‍યાન ફ્રી સમયમાં ઓટલા પર બેઠા હતા ત્‍યારે શ્રી મહેતાએ મને જણાવેલ કે હું પ૦માં વર્ષે  નિવૃતી લઇ લઇશ ત્‍યારે મને લાગ્‍યુ કે આ મજાક કરે છે પણ આજે આ સત્‍ય મને સમજાયું કે તેઓ મનની શાંતિ અધ્‍યાય માર્ગે જઇ સમાજસેવા ચાલુ રાખે તેવી શુભેચ્‍છા વ્‍યકત કરેલ.

ગિર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્‍યું કે, એસપી થોડા કોઇ દિવસ નિવૃતી લ્‍યે તેમ મજાકના રૂપમાં કીધુ અને શ્રી મહેતાની કાર્યપધ્‍ધતિને બિરદાવી અને પોલીસ પરિવાર તેમની સાથે સાથે માર્ગદર્શન મેળવતો રહે અને પરિવાર સાથે જોડાય તેઓના અનુભવોનો નિચોડ મેળવતો રહે.

જુનાગઢના ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાએ જણાવ્‍યું હતું કે એસપીશ્રી હર્ષદ મહેતાએ ચાર્જ સંભાળ્‍યા બાદ પોલીસ પાસેથી સતત કામ લીધુ રવિવારના દિવસે પણ વાહનચેકીંગ કોમ્‍બીંગ જેવી કામગીરી લેતા ત્‍યારે અમોને એમ થતું કે આ મશીનની જેમ કામગીરી લ્‍યે છે પરંતુ પછી તેમની સાથે કામગીરી કરવાથી ખુબ આનંદ આવ્‍યો અને અમારો ઉત્‍સાહ પણ વધતો રહયો તેઓની કામ કરવાની પધ્‍ધતી અમારે માટે કાયમ પ્રેરણારૂપ બની રહેશે તેઓ અમને સતત માર્ગદર્શન પુરૂ પાડતા રહયા છે.

આ કાર્યક્રમમાં જીલ્લાભરમાંથી ડીવાયએસપીશ્રીઓ તથા પોલીસ અધિકારીઓ જેમાં ટ્રાફિક શાખાના મહિલા પી.આઇ.શ્રી એચ.વી. હુંબલ તથા પી.એસઆઇ એસ.એન. જાડેજા, શ્રીઝાલા તથા મેંદરડાના મહિલા પીએસઆઇ એસ.એન. સોનારા તથા માળીયા હાટીનાના મહિલા પી.એસ.આઇ. સલ્‍મા સુમરા, પીએસઆઇ એસ.એ. સોલંકી, જે.જે. માઢક, તેમજ એ ડીવીઝનના પીઆઇ બી.બી. કોળી, બી ડીવીઝનના પીઆઇ પી.સી. સરવૈયા, સી ડીવી.ના પીઆઇ વી.જે સાવજ તથા વંથલીના પીએસઆઇ વાય.બી. રાણા, પીએસઆઇ પી.જે. બોદર, નેત્રમ શાખાના પીએસઆઇ પ્રતિક મશરૂ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહેલ. તેમજ જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીએ પણ એસપીને નિવૃતીની શુભેચ્‍છા પાઠવી હતી ત્‍યારે તેઓએ અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાનો પણ સાથ સહકાર આપવા બદલ આભાર વ્‍યકત કરેલ હતો.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

જુનાગઢનો કાયમી ઋણી રહીશઃ હર્ષદ મહેતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૮: જુનાગઢની પ્રજાનો પ્રેમ તથા પોલીસ પરિવારની અખંડ લાગણી જોઇ ગદગદીત થઇ ઉઠેલા શ્રી હર્ષદ મહેતાએ કહયું હું જુનાગઢનો કાયમી ઋણી રહીશ. જુનાગઢ માટે પોલીસે જે કાર્ય કર્યુ તેમાં કયાંય ચુક થઇ હોય તો દરગુજર કરશો પણ પ્રજાનો અખુટ પ્રેમથી જ આ કાર્ય કરી શકયો છું. મારૂ જે સન્‍માન થયું છે તેનો સ્‍વીકાર કરી કહયું કે જીવનના પાંચ દાયકા બાદ માદરે વતન ધારી તાલુકાના ગરમલી ગામે માતા-પિતા અને પરીવાર સાથે રહેવું છે અને કુદરતના ખોળે જીવવું છે. પોલીસ તંત્રની કાર્યનિષ્‍ઠા પાછળ સરકારના ગૃહ વિભાગ, સ્‍થાનીક નેતાગીરી અને આઇજી તથા ડી.આઇજી તમામના ભરપુર સહયોગની સરાહના કરી આ મારૂ સન્‍માન નહિ પણ સમગ્ર જુનાગઢની પોલીસ ટીમનું સન્‍માન હોવાનું ગૌરવભેર કહયું હતું.

અમારા સંતાનનું સન્‍માન જોઇ છાતી

ગજગજ ફુલે છેઃ બાબુભાઇ મહેતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૮: પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે બે દાયકા પહેલા નિવૃત થયેલા બાબુભાઇ નાનજીભાઇ મહેતાનું ત્રીજુ સંતાન હર્ષદભાઇ મહેતા પણ નખશીખ પિતાના વારસાને જાળવી અવિરત ૧ર વર્ષ સુધી ઉતમ શિક્ષક તરીકે કાર્ય કર્યુ હતું.

ર૦૧૧માં આઇપીએસ કેડરમાં  સુરત પછી  જુનાગઢમાં એસપી તરીકે હર્ષદ મહેતાએ ખુબ ઉમદા કાર્ય કરી પોલીસ ખાતાની  ૧૪ વર્ષની સેવા કર્યા બાદ પોતાના પ૦ વર્ષ પુર્ણ થતા સ્‍વૈચ્‍છીક નિવૃત થયા હતા.

પુત્ર હર્ષદભાઇને જુનાગઢની પ્રજાએ ભવ્‍ય વિદાયમાન આપતા પિતા તરીકે કેવી લાગણી છે. અનુભવો છો? તેવો સવાલના જવાબમાં ભાવુક બનેલા બાબુભાઇએ કહયું જયારે દિકરો બાપ કરતા સવાયો બને ત્‍યારે બાપની છાતી ગદગદીત થઇ જાય તે સ્‍વભાવીક છે.

(1:34 PM IST)