તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
પાકિસ્તાનના કરાચીમાં ધબકતી સનાતન હિન્દુ પ્રવૃત્તિના કેન્દ્ર સમા સ્વામિનારાયણ મંદિરના વિકાસમાં કચ્છના સાંખ્ય યોગી ધનબાઇ ફઇનો પુરુષાર્થ
સમાજ સુધારક નારી રત્ન દ્વિશતાબ્દીની ઉજવણીએ ઇતિહાસ વાગોળીએ, સંત ગુણાતીતાનંદજી સ્વામીએ રાજકોટના માવજી મિસ્ત્રીને કરાચીમાં મંદિર બાંધવા પ્રેરણા કરી અને માવજી ભાઈએ ભાગીદાર મુસાભાઈ સાથે મળી કરાચી બંદર બાંધ્યાનો ઇતિહાસ ચર્ચાય છે, એ સમયે ઓખા બંદરેથી હરિભક્તો કરાચી મંદિરે દર્શને જતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ : હાલમા ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સમાજ સુધારક નારી રત્ન દ્વિધતાબ્દીની ઉજવણી ચાલી રહી છે ત્યારે એક નજર ઇતિહાસના પાના ઉપર કરીએ. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા કચ્છના ઇતિહાસમાં હરિભક્તોને શિષ્ટાચાર શીખવાડવા પાંચ કોરીની પ્રસાદી, ધાર્મિક આયોજનોનો અંગેની વાતો સંબંધિતો વારંવાર સ્મરે છે પણ જેના કર્તૃત્વ થકી કરાચીમાં સ્વામિનારાયણ સત્સંગનો વિકાસ થયો તેવું સ્વર્ણિમ પૃષ્ઠ કચ્છના સાંખ્ય યોગી ધનબાઇ ફઇના નામે છે. કચ્છી સન્નારીની સમર્પણની કહાની, ઇતિહાસના તથ્યો સ્મરીએ. કચ્છના રામપર ગામમાં ઘેર ઘેર ત્યાગી પરંપરાની રંગોળી સર્જાઈ છે. દેશ-વિદેશના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં ઉલ્લાસ છે, આનંદ છે. ન માત્ર, કચ્છ પણ હાલના પાકિસ્તાનમાં સનાતન હિન્દુ પ્રવૃત્તિઓના કેન્દ્ર સમા કરાચી સ્વામિનારાયણ મંદિરના પાયામાં અક્ષરમુક્ત ધનબાઇ ફઇનો પુરુષાર્થ છે. આજે એ ઇતિહાસને સ્મરીએ. આઝાદી પૂર્વે કરાચી ભારતનું બંદર હતું. નગરપારકરના લોહાણા, બ્રાહ્મણ, મિત્રી સમુદાય સાથે સ્થાનિય હિન્દુ સમુદાયને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા કેન્દ્રની જરૂર હતી. કાલુપુર સ્વામિ. મંદિરના સંત ગુણાતીતાનંદજી સ્વામીએ મંદિર બાંધવા માટે રાજકોટના માવજી મિત્રીને પ્રેરણા કરી. માવજીભાઇએ ત્યાંના કોન્ટ્રાક્ટર મુસાભાઇ સાથે ભાગીદારી કરી `માવજી મુસા' કંપની સ્થાપી. આ બંનેએ કરાચીની જેટી પણ બાંધ્યાનો ઇતિહાસ છે. આ અંગે સંશોધન કરનાર કચ્છના અભ્યાસુ પત્રકાર વસંત પટેલે થોડાં વર્ષો પહેલાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત અ.નિ. હરિકૃષ્ણદાસજી સ્વામી પાસેથી વિગતો મેળવેલી અને અખબારી પાને કરાચી સ્વામીનારાયણ મંદિરના કેટલાક તથ્યો રજૂ કર્યા હતા. કરાચી સ્વામીનારાયણ મંદિરનો શિલાન્યાસ દ્વિતીય આચાર્ય કેશવપ્રસાદજી મહારાજે કરેલો. આ પરિસરના સરકારી દફ્તરે આજે પણ કાલુપુર મંદિરનું નામ છે અને તાજેતરમાં તેના જિર્ણોદ્ધારની વાત મુકાઇ હતી. ગાંધીધામના નવીન પીનારા કહે છે, અમારો પરિવાર કરાચી હતો. વડીલો કહેતા કે મંદિર નિર્માણ પછી ઓખા બંદરેથી કચ્છી હરિભક્તો કરાચી આવતા અને સત્સંગ થતો. બળદિયાના અબજી બાપા અને રામપરના સાં. યોગી ધનબાઇ ફઇ કચ્છ-ગુજરાતના હરિભક્ત પરિવારોને કરાચી મંદિરના વિકાસ અને સત્સંગ પ્રવૃત્તિમાં સહયોગની પ્રેરણા આપતા. ભુજ સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ ત્યાગી અક્ષરજીવન સ્વામીનું પ્રદાન પણ આશ્રિતોના જીવન સુધારવામાં મહત્ત્વનું રહ્યું. ધનબાઇ ફઇના કાર્યોની નોંધ બળદિયા અબજીબાપા મંદિર અને હનુમાનજી ટ્રસ્ટ દ્વારા બહાર પડાયેલ પુસ્તિકામાં પણ છે. આજે સમાજ સુધારક નારી રત્ન દ્વિશતાબ્દી ઉજવાઇ રહી છે ત્યારે નાના એવા રામપર ગામની મધ્યમાં ફઇનું સ્મૃતિ સદન બનાવાયું છે. આગળ બંસીપાલ પથ્થરની નકશી છે. તો અદલ કણબી પરિવારના તે સમયના વંઝી-વાળા દેશી મકાનની કૃતિમાં છે જેમાં ચિત્રકારી દ્વારા નારી મુક્તના પુરૂષાર્થની ઝાંખી રજૂ કરાઇ છે. ધનબાઇ ફઇના પરિવારના સભ્યોની હાજરી છે. સાતમી પેઢીના સંતાન માદરે વતન કચ્છમાં છે. રામપર લેવા પટેલ સમાજ પરીસરમાં વિશાળ પંડાલ સજાવાયો છે. કિંસબરી ફૂટ એન્ડ વેજ લંડનવાળા હીરજીભાઇ વાલજી હિરાણી કહે છે, અમારા ધનભાગ છે ઉત્સવ સમિતિના પ્રમુખ રવજીભાઇ વેકરીયા, મંદિર પ્રમુખ હીરજી ગોરસીયા તથા આખું ગામ, તમામ સંસ્થાઓ એકમત છે. ભુજ મંદિરના મહંત સ્વામી પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત પુરાણી ભગવતજીવનદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, ઉત્સવના પ્રણેતા વરિષ્ઠ સંત શ્રીહરિદાસજી સ્વામી, વડિલ સંત સ્વામી બાલકૃષ્ણદાસજી, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી આદી તમામ સંતો, સાં.યોગી મહંત સામબાઈ ફઇ ત્યાગી બહેનો સંમતેની પ્રેરણા આશીર્વાદથી ઉત્સવ આગળ ધપી રહ્યો છે. સંવત ૧૮૮૧ કારતક સુદ પૂર્ણિમાના દિને જન્મેલ ધનબાઇ ફઇનો મહિમા જનજનના હૈયે છે. યુ.કે., આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અખાતી દેશો, યુરોપ અને દેશના હરિભક્ત ભાઇ-બહેનોની વિશાળ હાજરી બતાવે છે કે કચ્છના કણબીઓના જીવનમાં બદલાવ લાવનાર રત્નો અમર છે અને રહેશે. બુધવાર તા. ૧ જાન્યુઆરીના યુવતી મંડળના કાર્યક્રમે માહોલ જામ્યો હતો. ગુરુવારે યુવક મંડળની રજુઆત છે. આજે ૩ તારીખે હિતેશ અંટાળોનો હાસ્ય દરબાર છે. આવતીકાલે ૪ તારીખે આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજીનું આગમન સાંજે પાંચ વાગ્યે છે. રાત્રે રાસોત્સવ છે. ભુજ મંદિર યુ. ટયુબ ઉપર જીવંત પ્રસારણ છે. જીવદયા, પર્યાવરણ રક્ષાના સેવા કાર્યો થઇ રહ્યા છે. જાણતા કથાવક્તા કૃષ્ણજીવન સ્વામીએ કહ્યું સાં.યોગી બહેનોની પ્રેરણાથી ૨૦૦ કલાકના અનેક પાઠ-મંત્રજાપ શરૂ કરાયા છે. આવતી કાલે બપોરે બે વાગ્યે ચોવીસી ગામની મંડળીઓ કિર્તન પરંપરા રજૂ કરાશે. કચ્છ લીલા પુરૂષોત્તમ સાગર ગ્રંથનું વ્યાસાસને રસપાન વક્તા સુખનંદન સ્વામી, રામકૃષ્ણ સ્વામી કરાવી રહ્યા છે. સંગીતમય સત્સંગ સૂર શ્રીજીનંદન સ્વામી, હરિજીવન સ્વામી, વૃજવિહારી સ્વામી આલાપી રહ્યા છે. (માહિતી સ્રોત: વસંત પટેલ, કેરા)
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
