<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

અમરેલીમાં પાટીદાર સમાજની દિકરીની ધરપકડ અને તેણીનું સરઘસ કાઢયુ તે નિંદનીય ઘટનાઃ તાકિદે કડક પગલા ભરો

મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટરને આવેદનઃ જવાબદાર નેતાઓ તથા પોલીસ સામે કાર્યવાહી કરો

રાજકોટ તા.રઃ આંતરરાષ્‍ટ્રીય કૂર્મી સેનાના આગેવાનોએ મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી અમરેલીમાં રાજકીય રાગદ્વેષનો ભોગ બન્‍યા બાદ પાટીદાર સમાજની દિકરીની ધરપકડ અને ત્‍યારબાદ થયેલ માનવ અધિકાર અને મહિલા અધિકારનાં ભંગ મામલે દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, તાજેતરમાં અમરેલી જિલ્લામાં ભાજપનાં બે જૂથ વચ્‍ચેના રાજકીય વૈમનસ્‍ય સબબ થયેલા બનાવટી લેટર પેડનાં કેસમાં પાટીદાર સમાજની અપરણિત દિકરીની કોઈ મુખ્‍ય ભૂમિકા ન હોવા છતાં રાતોરાત તેણીની ધરપકડ અને ત્‍યારબાદ ગુનાનાં રીકંટ્રક્‍શનનાં નામ પર જાહેર માર્ગ પર અસંખ્‍ય લોકોની વચ્‍ચે તેણીનું સરઘસ કાઢીને તેણીની જાહેર બદનામી અને તેણીના ભાવી સામાજિક જીવન સામે પ્રશ્નાર્થ ઊભો કરતી કાર્યવાહી રાજકીય નેતાઓનાં ઇશારે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હોવાની વ્‍યાપક લોક ચર્ચા છે.

આ ઘટનાની તટસ્‍થ તપાસ કરી આ પાટીદાર દિકરીને સમાજમાં બદનામ કરવામાં જે પણ દોષિત હોય તે રાજકીય નેતાઓ અને તેમનાં ઇશારે યોગ્‍ય કાર્યવાહી કરી આરોપીનાં માનવ અધિકાર અને મહિલા તરીકેનાં અધિકારોનો ભંગ કરનાર જવાબદાર પોલીસ કર્મીઓ સામે યોગ્‍ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી આમ જનતા નો આપની સરકાર પર ભરોસો કાયમ રહે. આ ઘટનાને લઈને પાટીદાર સમાજ સહિત ગુજરાતનાં દરેક સમાજમાં વ્‍યાપક રોષની લાગણી ફેલાઈ છે જેનો પડઘો મીડિયા અને સોશ્‍યલ મીડિયામાં જોવા મળી રહ્યો છે ત્‍યારે તુરંત યોગ્‍ય કાર્યવાહી કરવાની અમે માંગ કરીએ છીએ.  જો સરકાર તરફથી યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવશે નહીં તો આ મામલે આંતરરાષ્‍ટ્રિય કૂર્મી સેના દ્વારા માનવ અધિકાર આયોગ, મહિલા આયોગ અને હાઈકોર્ટ સમક્ષ કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે

(3:29 PM IST)