તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
જુનાગઢ જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈ ૪૦ ચેક પોસ્ટ પર ચેકિંગ, ૧૯૮ નશાખોર શખ્સોની અટકાયત
૧૩ ઈસમ છરી સહિતનાં હથિયાર સાથે, ૧૭ શખ્સ ૨૩, ૬૦૦ના દેશી, વિદેશી દારૂ સાથે પકડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૧: જુનાગઢ જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈ ૪૦ ચેક પોસ્ટ પર ચેકિંગ હાથ ધરી સપાટો બોલાવી ૧૯૮ નશાખોર શખ્સોની અટકાયત કરી હતી અને ૧૩ ઈસમને છરી સહિતનાં હથિયાર સાથે તેમજ ૧૭ શખ્સમે રૂપિયા ૨૩,૬૦૦ના દેશી, વિદેશી દારૂ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
થર્ટી ફર્સ્ટને લઈ જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં કાયદો વ્યવસ્થા, સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જિલ્લામાં ૪૦ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જૂનાગઢ શહેર તથા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને પીધેલાઓને ઝડપી પાડવા એસપી હર્ષદ મહેતાની સૂચનાથી એએસપી હર્ષ શર્મા, જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા, જૂનાગઢ રૂરલના નાયબ પોલીસ અધિક્ષક નિકિતા શિરોયા, કેશોદના ડીવાયએસપી બી. સી. ઠક્કર, માંગરોળના દિનેશ કોડીયાતર, વિસાવદર ડિવિઝનનાં ડીવાયએસપી રોહિતકુમારના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનોએ વિવિધ સ્થળો અને હાઇવે ચેક પોસ્ટ પર ચેકિંગ હાથ ધર્યું હતું
દારૂની હેરાફેરી અને નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા શખ્સોને પકડવા ૭૦૦ પોલીસ દ્વારા ડ્રગ્સ કીટ અને બ્રેથ એનેલાઇઝર વડે તપાસ કરવામાં આવી હતી.
જુનાગઢ શહેરમાં મહિલા ટ્રાફિક પીઆઇ એચ. કે. હુંબલ, એ ડિવિઝનના પીઆઈ બી. બી. કોળી, બી ડિવિઝનના પી. સી. સરવૈયા, સી ડિવિઝનના વી. જે. સાવજ, ભવનાથના ડામોરની ટીમે સતત ખડેપગે રહીને વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી કરી હતી.
થર્ટી ફર્સ્ટ ડ્રાઇવ દરમિયાન જુનાગઢ શહેર સહિત જિલ્લામાં ૧૯૮ શખ્સોને નશો કરેલી હાલતમાં પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ પીધેલી હાલતમાં વાહન ચલાવીને નીકળેલા ૧૪ શખ્સને ઝડપી લઇ રૂપિયા ૫.૯૦ લાખના વાહનો કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે ૧૩ શખ્સને છરી હથિયાર સાથે પકડી પાડી હથિયાર બંધી જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. સાથે સાથે પોલીસે ૧૭ શખ્સની રૂપિયા ૨૩,૬૦૦ના દેશી વિદેશી દારૂ સાથે ધરપકડ કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
