News of Thursday, 26th December 2024
દેશની સૌ પ્રથમ પબ્લિક સ્પેસ ઓબઝર્વેટરીનો ભુજમાં પ્રારંભઃ નવી ગેલેરી તમામ લોકો માટે ખુલ્લી
સાયન્સ અને ટેકનોલોજી માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારના પ્રયાસોને બિરદાવતા જાણીતા વૈજ્ઞાનિક ડો. જે.જે. રાવલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬: પ્રવાસન ક્ષેત્રે કચ્છ જિલ્લાને વૈશ્વિક નકશામાં સ્થાન અપાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુ એક ભેટ આપી છે. આ ભેટ છે, દેશની સૌ પ્રથમ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીની. સુશાસન દિનની ઉજવણી પ્રસંગે ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ દ્વારા ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટર મધ્યે આ નવી ગેલેરીનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે નેશનલ સ્ટેમ ક્વિઝ ૩.૦ નું આયોજન કરાયું હતું. આ વિશે ‘અકીલા' ને વધુ માહિતી આપતા ભુજ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડો. સુમિત વ્યાસે જણાવ્યું હતું કે, સ્ટેમ ૩.૦ સાયન્સ ક્વિઝમાં મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને કચ્છમાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલ ૩૦૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
આ સ્પર્ધામાં વિજેતા તાલુકાના પ્રથમ ચાર વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે. નવી ગેલેરી વિશે ડો. વ્યાસે જણાવ્યું હતું કે, આ દેશની પ્રથમ પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી છે, આ તમામ લોકો માટે ખુલ્લી છે. આ અતિ આધુનિક ટેલિસ્કોપ છે. જેમાં ૨૪ ઇંચનો ડાયામીટર હોઈ ગ્રહો, નક્ષત્રો, તારા અને આકાશ ખૂબ જ સારી રીતે જોઈ શકાશે. નિયત ફી ભરી દરરોજ સાંજે ૬ થી ૯ દરમ્યાન સૌ કોઈ આ સાયન્સ સેન્ટર મધ્યે આકાશ દર્શન કરી શકશે.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત જાણીતા ખગોળ વૈજ્ઞાનિક ડો. જે.જે. રાવલે ‘અકિલા' ના પ્રતિનિધિ વિનોદ ગાલા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે દેશના છેવાડાના વિસ્તાર સુધી જાગળતિ આવે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો ખરેખર સરાહનીય છે.
ભુજમાં રિજિનલ સાયન્સ સેન્ટર અને હવે તમામ લોકો તેમાંય ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અતિ આધુનિક ટેલિસ્કોપ સુવિધા નવી પેઢીને વિજ્ઞાનમાં રસ રૂચિ કેળવવામાં મદદરૂપ બનશે. સાયન્સ અને ટેકનોલોજી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રયાસો સરાહનીય છે.
ડો. રાવલે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ નવી સુવિધા શરૂ કરવા બિરદાવ્યા હતા. આ સુવિધા થકી એસ્ટ્રો ફોટોગ્રાફી સાથે એસ્ટ્રો ટુરિઝમને વેગ મળશે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
