<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

અમરેલીના ખાંભામા દીપડાનો આતંક, પચપચીયા ગામમાં વાડી વિસ્તારમાં દીપડાએ 10 વર્ષીય બાળકને ફાડી ખાધો

ખુલ્લામાં પરિવાર સાથે ઉંઘી રહેલા બાળકને દીપડો ઉપાડી ગયો અને ફાડી ખાધો: ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી જિલ્લામાં સમયાંતરે જંગલી પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે જિલ્લાના ખાંભા પથંકમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ખાંભાના પચપચીયા ગામમાં વાડી વિસ્તારમાં ખુલ્લામાં પરિવાર સાથે ઉંઘી રહેલા એક બાળકને દીપડો ઉપાડી ગયો હતો અને ફાડી ખાધો હોવાનો બનાવ બન્યો છે. બનાવને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગ દ્વારા પાંજરી મુકી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ખાંભા તાલુકામાં પચપચીયા ગામ આવેલું છે. આ ગામમાં મયુર જીતુભાઈ સોરઠીયા નામનો 10 વર્ષીય બાળક પરિવાર સાથે વાડી-ખેતર વિસ્તારમાં રાત્રીના સમયે ખુલ્લામાં સુતો હતો. એ દરમિયાન દીપડો ત્રાટક્યો હતો અને મયુર હુમલો કર્યો હતો. હુમલો કરીને મયુરને ખેંચીને લઇ ગયો હતો. મયુરે બૂમાબૂમ કરતા પરિવારજનો જાગી ગયા હતા. જોકે દીપડો મયુરને જાડી ઝાંખરામાં જતો રહ્યો હતો.

દીપડાએ બાળક પર હુમલો કર્યો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. વન વિભાગ દ્વારા મયુરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બનાવ સ્થળથી 500 મીટર દુર દીપડાએ ફાડી ખાધો હતો. વન વિભાગને બાળકના શરીરના અવશેષો મળ્યા હતા. બાળકના મૃતદેહને પીએમ અર્થે ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા માનવ ભક્ષી દીપડાને પકડવા 4 જેટલા પાંજરા મુકવામાં આવ્યા છે. બનાવના પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(1:02 PM IST)