News of Wednesday, 25th December 2024
લીંબડી ચુડા તાલુકાના ૧૭ રૂટો બંધ કરાતા ગામડાના ૧૫૦૦ વિદ્યાર્થીઓનો બસ રોકીને હોબાળો
ભથાણ ગામની પ્રા.શાળામાં ગણિત- વિજ્ઞાનના શિક્ષકો ન હોઇ વિદ્યાર્થીઓએ સ્કુલમાં જ ધરણા કર્યા!

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૫: રાજકોટ એસટી વિભાગ દ્વારા એકાએક લીંબડી, ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૭ એસટી બસો બંધ કરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. અમુક બસના સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. રાસકા, ટોકરાળા, કંથારિયા, ગેડી, ઉઘલ, મોજીદડ, નટવરગઢ, લક્ષ્મીસર, ઝાંઝરકા, ઝોબાળા, સેજકપર સહિત ગામોથી અપડાઉન કરતાં ૧૫૦૦ જેટલા છાત્રો રઝળી પડ્યા છે. વિદ્યાર્થીઓએ લીંબડી એસટી ડેપોમાં બસ રોકી હોબાળો મચાવ્યો હતો. પહેલાના સમય પ્રમાણે બસ શરૂ કરવાની માંગ કરી હતી. બંધ કરાયેલી તમામ બસ ટૂંક સમયમાં શરૂ નહીં કરાય તો આવેદનપત્ર અને આંદોલન કરવાની છાત્રોએ ચીમકી ઉચ્ચારી છે. લીંબડી એસટી ડેપોના ઈન્ચાર્જ એટીઆઈ રાજભા વાઘેલાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની માંગ અમે ડિવિઝન ઓફિસે પહોંચાડી દઈશું. છાત્રોને હેરાનગતિ ન થાય તેવો નિર્ણય લેવાશે તેવો આશાવાદ છે.
લીંબડી તાલુકાના ભથાણ ગામની પ્રાથમિક શાળામાં ૬ માસ ધો.૬થી ૮ના ગણિત, વિજ્ઞાનના શિક્ષકો હાજર ના હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. બન્ને વિષયના શિક્ષકોની માગને લઈને છાત્રો શાળાના પટાંગણમાં ધરણાં ઉપર બેસી ગયા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અભ્યાસ ક્રમ પૂરો થવાને માંડ ૩ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ધો.૬થી ૮ના ગણિત, વિજ્ઞાનનો એક પણ પાઠ કે પ્રકરણ ચલાવામાં આવ્યું નથી. આ બાબતે વિદ્યાર્થીઓએ અને વાલીઓએ શાળાના આચાર્યને અનેક રજૂઆત કરી હતી. તેમ છતાંય આજદિન સુધી શિક્ષકોની ભરતી કરાઈ નથી. આ અંગે શિક્ષકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ધો.૬થી ૮ના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો મૂકવા બાબતે તાલુકા, જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરી દેવામાં આવી છે
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
