<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

માગશરી પૂનમે ચોટીલા ચામુંડાધામમાં રેકોર્ડબ્રેક બે લાખ થી વધુ માઈ ભક્‍તો ઉમટયાં

શીત લહેરમાં ડુંગર પર્વત માતાજીનાં જયકારા સાથે ગુંજતો રહ્યોઃ દિવસ આખો ટ્રાફિક જામ વારંવાર સર્જાતો રહ્યો

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૧૬: ચોટીલા ચામુંડાધામ ખાતે માં ચામુંડાનાં દર્શનાર્થે માગશર માસની રવીવારના પૂનમ હોવાથી પ્રથમવાર બે લાખ થી વધુ માઇભક્‍તો ઉમટયાં હતા જેઓએ શીત લહેર વચ્‍ચે ડુંગર ચડીને માતાજીનાં દર્શનનો લ્‍હાવો લીધેલ હતો. ચામુંડા માતાજીના તિર્થધામ ચોટીલા ખાતે આમ તો કાર્તકી પૂનમનું વિશેષ મહત્‍વ છે. અને સૌથી વધું આ દિવસે માઈ ભક્‍તોની ભીડ ઉમટે છે. પરંતુ માગશરી પૂનમ અને રવિવારના સમન્‍વયને કારણે પ્રથમવાર બે લાખથી વધુ માઈ ભક્‍તો ઉમટયા હતા ઐતિહાસિક ભાવિકોની ભીડ ઉભરેલ જે રેકોર્ડ બ્રેક સમાન છે.

તળેટી વિસ્‍તાર ૨૪ કલાક ધમધમતો રહેતો હોય છે અને ભાવિકોની ભીડને ખાળવા દરેક પૂનમ નિમિત્તે ટ્રસ્‍ટ દ્વારા રાત્રીનાં બે વાગ્‍યાનાં અરસામાં પગથિયા ગેઇટ ખોલી નાખવામાં આવે છે તેમ છતા રવિવારનાં મધરાત થી સંધ્‍યા આરતી પછીનાં સમય સુધી ડુંગર પગથિયા માતાજીનાં ભક્‍તોની ભીડની અવર જવર થી ઉભરાયેલા રહેલ હતા શીત લહેરની લહેરખીઓ વચ્‍ચે ડુંગર પર્વત માતાજીનાં જય જયકારના નાદ સાથે ગુંજતો રહ્યોં હતો.

શનિવારના બપોરથી ગુજરાત તરફથી પદયાત્રી ભાવિકોનાં સંઘો માતાજીનાં રથ, ધજાઓ સાથે ડીજે ના સંગાથે માતાજીનાં ગુણગાન ગાતા ગરબાના તાલે રમતા ઝૂમતા આવી પહોંચ્‍યા હતા ભીડ ને ખાળવા અડધી રાત્રે જ ડુંગર ઉપર નીજ મંદિરે  હજારો ભાવિકોએ પ્રથમ આરતી સાથે દર્શનનો લાભ લીધો હતો. કાયદો વ્‍યવસ્‍થા માટે પોલીસનો મોટો બંદોબસ્‍ત તૈનાત રહેલ હોવા છતા યાત્રી પ્રવાહની અસર  હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્‍યો દિવસ દરમિયાન અવાર નવાર જોવા મળેલ હતો

દર વર્ષે સૌથી વધુ ભાવિકોની ભીડ દિવાળી બાદ કાર્તકી પૂનમે ચોટીલાધામે યોજાય છે. પરંતુ માગશર માસની પૂનમનાં બે લાખથી વધુ ભાવિકો ઉમટયાં હોવાનું ચામુંડા ધામનાં ઇતિહાસમાં પ્રથમવાર બનેલ હોવાનું સ્‍થાનિક આઇબીના સૂત્રોએ જણાવ્‍યું હતું.

(11:49 AM IST)