News of Thursday, 5th December 2024
બ્રહ્મલીન તનસુખગીરી બાપુની કરોડોની અસ્કયામત નીકળવાની આશા ઠગારી નીવડી
અંબાજી મંદિર ખાતે હજુ એક પેટી ખોલી તપાસ કરવાની બાકી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૫: ગિરનાર અંબાજી મંદિર અને જુનાગઢ ખાતેના ભીડભંજન મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંત બ્રહ્મલીન તનસુખગીરી બાપુની અસ્કયામતની ગણતરી તપાસ ચાલી રહી છે.
બે દિવસ અગાઉ એટલે કે મંગળવારે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે બાપુનો રૂમ ખોલી તંત્ર દ્વારા સાધુ સંતો અને બાપુના વારસદારો વગેરેની ઉપસ્થિતિમાં તપાસ કરવામાં આવી હતી જે દરમિયાન સામાન્ય એવા સોના ચાંદીના ઘરેણા અને રોકડ મળી આવી હતી. આ પછી બુધવારે મામલતદાર ની ટીમ દ્વારા સાધુ સંતો પરિવારજનો અને પ્રતિનિધિઓની હાજરીમાં ગિરનાર અંબાજી મંદિર ખાતે અસ્કયામતની ગણતરી હાથ ધરવામાં આવી હતી.
અંબાજી મંદિર ખાતે કુલ બે પેટીમાં માતાજીના દર દાગીના સહિતની ચીજ વસ્તુઓ રાખવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જે પેટીમાં માતાજીના દાગીના હતા તેને સૌ પ્રથમ ખોલવામાં આવી હતી ત્યારે તેમાંથી સોના ચાંદીના હાર સહિત માતાજીના આભૂષણોનો સારો એવો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ કોઈ પણ પ્રકારની રોકડ મળી ન હતી.
આભૂષણોની યાદી સહિતની વિગતોની નોંધ કરી તમામ આભૂષણોને પરત પેટીમાં મૂકી સીલ કરવામાં આવી હતી. હજુ એક પેટી ખોલવાની બાકી હોય આગામી સમયમાં તેને પણ ખોલી તપાસ કરવામાં આવશે.
આમ બે દિવસની ગણતરી, તપાસ દરમિયાન બ્રહ્મ લીન બાપુનો મોટો દલ્લો પ્રકાશમાં આવવાની શકયતા હતી પરંતુ તે આશા પણ ઠગારી નીવડતા બ્રહ્મ લીન મહંતનાં આસામી બનવાના સપના જોનારા નારાજ થઈ ગયા હતા
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
