<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

પ૧ લાખની છેતરપીંડીના પ્રકરણમાં સવા વર્ષથી ફરાર સુરેન્‍દ્રનગર બેન્‍કના કર્મચારીની ધરપકડ

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. પઃ પાટડી ગ્રુપ ઓફ કો.ઓ. મલ્‍ટી પર્પઝ લિ. ના કર્મી ચેલાજી મણાજી ઠાકોરે ખેડૂતોના પાક ધીરાણની રૂ.૧૭,૧૬,૯૫૫ની રકમ બેંકમાં જમા કરાવી ન હતી.તેઓએ પોતાની સહી સાથે ખેડૂતોને જમા રકમની પહોંચ પણ આપી હતી. બીજી તરફ સુરેન્‍દ્રનગર ડિસ્‍ટ્રીકટ બેંકના કર્મી પ્રદ્યુમનસિંહ ઉર્ફે પીન્‍ટુભાઈ રણજીતસિંહ ભાટી અને જયદેવસિંહ મનહરસિંહ પરમારે ખેડૂતોના ખોટા દસ્‍તાવેજ ઉભા કરી, ખોટી સહીઓ કરી પાક ધીરાણની લોન લઈ રૂ. ૨૮,૨૫,૦૦૦ ઉપાડી લીધા હતા. ખેડૂતોને આ પાક ધીરાણની બાકી લોન બાબતે ફોન આવતા સમગ્ર બનાવ બહાર આવ્‍યો હતો.

આ ઉપરાંત મંડળીના કર્મી ચેલાજીએ રૂ. ૫,૩૯,૨૧૧ની રકમ બેંકમાં જમા નહીં કરાવી હાથ પર રાખી હતી. મંડળીના સભાસદ અને સુરજપુરાના ખેડૂત ૭૩ વર્ષીય ગોરધનભાઈ ઉકાભાઈ પટેલે તા. ૨૦-૯-૨૩ના રોજ પાટડી પોલીસ મથકે ત્રણેય સામે કુલ રૂ. ૫૦,૮૧,૧૬૬ની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. ત્‍યારે આ કેસ ફરાર આરોપી પ્રદ્યુમનસિંહ ઉર્ફે પીન્‍ટુભાઈ રણજીતસિંહ ભાટી લીંબડી-રાજકોટ હાઈવે પર બોડીયા ગામના પાટીયા પાસે હોવાની વિગતો પેરોલ ફર્લો સ્‍કવોડને મળી હતી. આથી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પીએસઆઈ આર.એચ.ઝાલા, શકિતસીંહ સહિતની ટીમે વોચ રાખી સવા વર્ષથી ફરાર લીંબડીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ઉર્ફે પીન્‍ટુભાઈ રણજીતસિંહ ભાટીને ઝડપી લીધો હતો. આ શખ્‍સને પાટડી પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(1:49 PM IST)