News of Thursday, 5th December 2024
અષ્ટાંગ યોગ પાળો એટલે પ્રકૃતિના બંધનમાંથી છૂટી શકાય : કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતા
જૂનાગઢમાં શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરે ગૌશાળાના લાભાર્થે આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉમટતા ભાવિકો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. પ : જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરે ગૌશાળા નિર્માણના લાભાર્થે શરૂ થયેલી શ્રીમદ્ ભાગવત કથામાં ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી ડો. મહાદેવપ્રસાદ મહેતાએ અષ્ટાંગ યોગ તેમજ સત્વગુણના આકર્ષણ પર ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, અધ્યાત્મ યોગથી પ્રકળતિના-ઈન્દ્રિયના બંધનમાંથી પણ છૂટી શકાય. એ માટેના ૧૦ કારણો છે. એ પૈકીનું એક એટલે નિર્મળ અંતઃકરણ જે સત્સંગથી પ્રાપ્ત થાય.
આવા ૧૬ લક્ષણો હોય તેને સાધુ પુરુષ કહેવાય. સાધુ-સંતની એને કહેવાય જેની પાસે બેસવાથી પણ મનમાં શુદ્ધિ-પવિત્રતા આવે. આ રીતે પ્રકળતિના બંધનમાંથી છૂટવા અષ્ટાંગ યોગ પાળવો પડે.
જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાઘાત, ધારણા, ધ્યાન અને સમાધિની અવસ્થા હોય.
એટલે તમે ઈન્દ્રિયોના બંધનમાંથી મુક્ત થઈ શકો. આદિ શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ ના દેહ નાની ઉંમરમાં છૂટી ગયા કારણકે, તેમનામાં ઈન્દ્રિયો પ્રત્યેની આસક્તિ છૂટી ગઈ હતી.
આસક્તિ છૂટી જાય એટલે દેહ પણ આપોઆપ છૂટી જાય. આસક્તિ પણ સૌથી વધુ સત્વગુણની જ હોય છે.
માનવીને સત્વગુણનુ આકર્ષણ સૌથી વધુ હોય છે. જ્યાં સત્વગુણ છે ત્યાં આકર્ષણ છે જ.
આ વર્ષે ઉત્તરાખંડમાં ચારધામની યાત્રામાં સૌથી વધુ લોકો આવ્યા કારણકે, હિમાલયનું આકર્ષણ એવું છે. આપણે ત્યાં ગિરનારમાં લાખો લોકો આવે છે કારણકે ત્યાં સત્વગુણ છે અને એનું આકર્ષણ છે.
આજની કથામાં શિવ અને સતી વચ્ચેનો સંવાદ તેમજ સતીના પ્રાણ ત્યાગ પછી શિવજીના તાડવનો પ્રસંગ વર્ણવ્યો હતો. તો ધ્રુવની તપર્શ્યા નો પ્રસંગ પણ આગવી શૈલીમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ સાથે ડો. મહાદેવપ્રસાદે સ્થૂળ સ્વરૂપે ભગવાનના સાક્ષાત્કાર વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સૂક્ષ્મ રૂપે તમે જેમનું ધ્યાન કરો એ સ્થૂળ રૂપે મળે જ. નરસિંહ મહેતાએ ચોક્કસ પણે સૂક્ષ્મ સ્વરૂપે ભગવાનનું ધ્યાન કર્યું હશે એટલે જ તેમને સ્થૂળ રૂપે ભગવાનની પ્રાપ્તિ થઈ. કથા શ્રવણ માટે મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ, મામા સાહેબ - માંગરોળ, મહેશ્વરી માતાજી ઋષિરાજ આશ્રમ, મહાદેવગિરીબાપુ, અમળતગીરીબાપુ - ચકાચક બાપુ, બીએપીએસના સંતો તેમજ મહાનુભાવોમા ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી. વી. શ્રીવાસ્તવ, રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
