તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 5th December 2024
જૂનાગઢમાં ૧૦ લાખના ૨૦ લાખ કઢાવવા પ્રૌઢનું અપહરણ કરી માર મારનાર વ્યાજખોર પિતા, ૨ પુત્રની ધરપકડ
જોષીપરાની ઘટનામાં આરોપીઓના રિમાન્ડની તજવીજ, અન્ય ત્રણને પકડવા તપાસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૦૫: મૂળ મેંદરડાના અને હાલ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા બાંધકામનો વ્યવસાય કરતા ૫૨ વર્ષીય જીતેન્દ્રભાઈ છગનભાઈ ભાખર પાસેથી રૂપિયા ૧૦ લાખના ૨૦ લાખ કઢાવવા અપહરણ કરી જુનાગઢ ખાતે લાવી માર મારનાર વ્યાજખોર પિતા, ૨ પુત્રની પોલીસે ધરપકડ કરી અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આઠેક મહીના પહેલા પોતાની દિકરીના લગ્ન પ્રસંગે જૂનાગઢના બટુક રાડા હસ્તક રાજુ રબારી પાસેથી ૬ ટકા વ્યાજે રૂપિયા ૫ લાખ ને માંડા હુંણ પાસેથી પણ ૬ ટકા વ્યાજે રૂપિયા ૫ લાખ લીધા હતા. જેના રૂપિયા ૨૦ લાખ કઢાવવા માટે બટુક રાડાએ મેંદરડાથી પોતાની ૭૦૦૪ નંબરની કારમાં અપહરણ કરી જુનાગઢના જોશીપરામાં આંબાવાડીમાં વીડીના કારખાના પાસે આવેલ બટુક રાડા તેની ઓફીસે લઇ આવી ગોંધી દીધા હતા. બાદમાં શખ્સે પ્લાસ્ટીકના પાઇપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે વ્યાજખોર બટુક ધાના રાડા, તેનો પુત્ર હરેશ તથા હેમાંગ બટુક રાડાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તપાસનીશ પીઆઇ કે. એસ. સુવા, પોલીસ ઇન્સ્પેક્ટર પી. સી. સરવૈયા સહિતના સ્ટાફે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આજે ત્રણેય પિતા, પુત્રને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
