તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
દારૂડીયા પતિએ પત્નિને પતાવી દીધી
ભાડલાના રણજીતગઢનો બનાવઃ મુળ એમપીની ભુરીબેનને રાતે લાકડીથી માર મારી, પહેરેલુ ઘરેણું ખેંચી કાન ચીરી નાંખ્યો હતોઃ શેઢે પાણી વાળી રહેલા બે દિકરા દેકારો સાંભળી આવ્યા ત્યારે પિતા ધનસિંગ ડાવર ભાગી ગયોઃ મહિલાએ રાજકોટમાં દમ તોડયોઃ પતિ સકંજામાં

રાજકોટ તા. ૩: ભાડલાના રણજીતગઢ ગામે વાડીએ નશાખોર પતિએ પત્નિને લાકડીથી બેફામ ફટકારી તેમજ તેણીએ કાનમાં પહેરેલુ ઘરેણું ખેંચીને કાન ચીરી નાંખી ગભીર ઇજાઓ પહોંચાડતાં તેણીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. અહિ તેણીનું મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
જાણવા મળ્યા જસદણના ભાડલા તાબેના રણજીતગઢ ગામે અશ્વીનભાઇની વાડીમાં એકાદ મહિનાથી ભાગીયા તરીકે રહેવા આવેલા મધ્યપ્રદેશના ભુરીબેન ધનસીંગ ડાવર (ઉ.વ.૪૫)ને રાતે બે વાગ્યે તેના પતિ ધનસિંગે લાકડીથી બેફામ મારકુટ કરી તેણીના કાનમાં પહેરેલુ ઘરેણું ખેંચીને કાન ચીરી નાંખતા ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડે ભાડલા પોલીસને જાણ કરી હતી.
ભુરીબેનને સંતાનમાં બે પુત્રો છે. પુત્રોએ કહ્યું હતું કે રાતે માતા અને પિતા વચ્ચે કોઇ બાબતે માથાકુટ થઇ હતી. એ વખતે પોતે બંને ભાઇઓ વાડીના શેઢે પાણી વાળી રહ્યા હતાં. માતાની ચીસો સાંભળીને પોતે રૂમ પર દોડી આવ્યા ત્યારે પોતાની માતાને પિતા મારકુટ કરતો દેખાયો હતો. એ પછી તે ભાગી ગયો હતો. માતાના કાનમાં પહેરેલુ ઘરેણું ખેંચાતા તેનો કાન પણ ચિરાઇ ગયો હતો. તેમજ મોઢા માથા પર પણ ઇજાઓ હતી. કદાચ લાકડીના ફટકા માર્યા હોય તેવુ લાગતું હતું. અમે બાદમાં વાડી માલિકને જાણ કરી હતી અને જસદણ સારવાર અપાવી માતાને રાજકોટ ખસેડી હતી.સારવાર દરમિયાન ભુરીબેને દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ભાડલા પોલીસે પતિને સકંજામાં લીધો હતો. તેણે નશાની હાલતમાં કોઇ કારણે ઝઘડો કરી પત્નિને મારકુટ કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
