News of Friday, 15th November 2024
વહેલી શરૂ થયેલી ૩૬ કિ.મી.ની ગિરનાર પરિક્રમા વહેલું સમાપન, અન્નક્ષેત્ર પણ સંકેલાયા
ચાર દિવસમાં ૭,૧૧,૮૩૩ ભાવિકોએ પૂણ્યનું ભાથું બાંધ્યુ, પરિક્રમા એકંદરે સુખરૂપ પૂર્ણ થતા તંત્રએ રાહતનો દમ લીધો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૫: ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગરવા ગિરનાર ફરતે તા. ૧૧ નવેમ્બરથી ૩૬ કિલોમીટરની પાવનકારી પરિક્રમા વહેલી શરૂ થઈ હતી. જેની સાથે પરિક્રમાનું વહેલું સમાપન થયું છે. આમ લીલી પરિક્રમા એકંદરે સુખરૂપ પૂર્ણ થતા તંત્રએ પણ રાહતનો દમ લીધો છે.
પરિક્રમા પૂર્ણ થવાની સાથે અન્નક્ષેત્ર પણ સંકેલાઈ ગયા છે. અને જંગલ વિસ્તાર પણ ખાલી થઈ જવા પામ્યો છે. ગિરનાર પરિક્રમા વિધિવત ૧૨ નવેમ્બરના રોજ મધ્યરાત્રીએ શરૂ થઈ હતી પરંતુ તેની પહેલા જ મોટી સંખ્યામાં યાત્રિકો રૂટ પર જતા રહ્યા હતા ૪૨ કલાક વહેલી શરૂ થયેલી પરિક્રમા આજે પૂર્ણ થઈ છે. ચાર દિવસમાં ૭,૧૧,૮૩૩ ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધી વતનની વાટ પકડી લીધી છે.
બીજી તરફ પરિક્રમાના અંતિમ દિવસે અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ લેવા યાત્રિકોની ભારે ભીડ રહી હતી. ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી ભવનાથ તળેટીમાં પરત આવી ગિરનારનું પૂજન કર્યું હતું અને દામોદર કુંડનાં પવિત્ર જળમાં તાાન કરી વતન ભણી રવાના થયા હતા. આમ પરિક્રમા કોઈપણ જાતના વિઘ્ન વગર એકંદરે સફળતાપૂર્વક પૂર્ણ થતા તંત્રએ પણ રાહતનો દમ લીધો છે.
ગયા વર્ષે પરિક્રમા દરમિયાન કુલ ૧૩.૨૫ લાખ યાત્રિકો નોંધાયા હતા. જ્યારે આ વખતે ૭,૧૧,૮૩૩ ભાવિકો નોંધાયા છે. આ વર્ષે ખેતીની સિઝન સહિતના કારણસર યાત્રિકો ઓછા આવ્યા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે યાત્રિકોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. આજે સાંજે જંગલ બાદ ભવનાથ તળેટી વિસ્તાર પણ ખાલી થઈ જતા હવે ગિરનાર જંગલ અને ભવનાથ વિસ્તારમાં એકત્ર થયેલ કચરો, ગંદકીના નિકાલ માટે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર- સોરઠના સંતોએ શરૂ કરેલી ભજન અને ભોજનની પરંપરા આજે આધુનિક સમયમાં પણ વિસરાય નથી. ગિરનાર લીલી પરિક્રમા હોય કે પ્રસિદ્ધ મહાશિવરાત્રીનો મેળો અહીં અન્નક્ષેત્રો -સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવિકોને મીઠા આવકાર અને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવે છે.
ગિરનાર લીલી પરિક્રમામાં તા.૧૧,૧૨ અને ૧૩ નવેમ્બર સુધીમાં ૧૪૬૭૨ યાત્રિકોને તાવ, શરદી-ઉધરસ, શરીરના દુઃખાવા વગેરે દર્દોમાં જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર જીણાબાવાની મઢી, સરકડિયાના ઘોડી વિસ્તાર, માળવેલા વિસ્તાર, માળવેલાની ઘોડી ઉપરના પોઇન્ટ, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, નળપાણીની ઘોડી ઉપરના પોઇન્ટ, બોરદેવી વિસ્તાર, બળદેવી મંદિર, ભવનાથ અને ગિરનાર અંબાજીની ટૂંક પર હંગામી દવાખાના કાર્યરત છે. ઉપરાંત ભવનાથના નાકોડા ખાતે તાત્કાલિક સારવાર પણ ઉપલબ્ધ છે.
આકસ્મિક સંજોગોમાં દર્દીને નજીકના દવાખાના પહોંચાડવા માટે ૧૨ જેટલી એમ્બ્યુલન્સ પણ પરિક્રમા રૂટ પર ડેપ્યુટેડ છે. (૯.૧૭)
સંકલન :
- રોહિત ઉસદડ
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
