News of Thursday, 14th November 2024
કાર્તિકી પૂર્ણિમા એટલે ચાતુર્માસ બાદ કાલે પાલીતાણામાં સિદ્ધગિરિ યાત્રાનો પ્રારંભ..

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪ : કાર્તિકી પૂર્ણિમાનો મહિમા દ્રાવિડ અને વારિખિલ્લજી - આ બે મહાપુરૂષો અને એમના દસ ક્રોડ મુનિઓની મુક્તિ સાથે જોડાયેલો છે. દ્રાવિડ અને વારિખિલ્લ - એ બંને ભગવાન ઋષભદેવના સો પુત્રોમાંથી એક દ્રવિડ રાજાના પુત્રો હતા. દ્રવિડ રાજાએ પોતાના બે પુત્રોને યોગ્ય રીતે રાજ્ય વહેંચીને દીક્ષા લીધી હતી.
શત્રુંજય તીર્થની યાત્રા કર્યા બાદ દસ કરોડ મુનિઓ સાથે અનશન કરીને માસોપવાસ બાદ સકલ કર્મનો ક્ષય કરીને કાર્તિક પૂર્ણિમાના દિવસે દ્રાવિડ અને વારિખિલ્લ દસ કરોડ મુનિઓ સાથે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી અંતર્મુહૂર્તમાં મોક્ષ પદને પામ્યા હતા.
શ્રી શત્રુંજય ગિરિરાજ ચડતા શ્રી પુજ્યની ટૂંકથી બહાર આવી થોડા પગથિયાં ચઢીએ ત્યારે જે સપાટ રસ્તો આવે છે ત્યાં જમણી બાજુના ચબુતરા ઉપર એક દેરીમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભી ચાર શ્યામ વર્ણની પ્રતિમાઓ છે. એમાં પહેલી અને બીજી પ્રતિમા ક્રમશઃ દ્રાવિડ અને વારિખિલ્લજીની છે. બીજી બે મૂર્તિ અતિમુક્તક મુનિ અને નારદજીની છે.
નારદજી પણ કાર્તિક પૂર્ણિમાના દિવસે ૯૧ લાખ મુનિવરોની સાથે અહીં કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા છે.
જો કોઈ કાર્તિકી પૂર્ણિમાએ અહીં આવીને માત્ર એક ઉપવાસ કરે તો બ્રહ્મ હત્યા,સ્ત્રી હત્યા અને ગર્ભ હત્યાના પાપમાંથી મુક્ત થાય છે. કાર્તિક સુદ પૂનમ તા. ૧૫- ૧૧ ૨૪ ના રોજ છે. આથી આ દિવસે દરેક જેનો એ શેત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા ભાવનગરના જૈન શ્રેષ્ટિ શ્રી દિવ્યકાન્ત સલોત જણાવે છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
