<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

લાભ પાંચમ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં 20 દિવસે તૈયાર થયેલાં વિશેષ વાઘા અપૅણ :સિંહાસનને વડતાલ મંદિરની પ્રતિકૃતિનો શણગાર

સિલ્કના કાપડમાંથી વૃંદાવનમાં બનાવેલ જરદોશી વર્કવાળા અને ગુલાબ સહિતના ફુલની ડિઝાઈનવાળા વાઘા અર્પણ કરાયા

રાજકોટ તા.૬ : આજે વિક્રમ સંવત 2081ની કારતક સુદ પાંચમની તિથિ છે. ત્યારે સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિશેષ વાઘા અર્પણ કરાયા છે. આ સાથે આવતીકાલથી વડતાલમાં શરૂ થતાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવની નિમિત્તે વડતાલ મંદિરની થીમનો સિંહાસને શણગાર કરાયો છે. 

આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામીએ કરી હતી. આ પછી શણગાર આરતી કોઠારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાની આરતીનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લઈને ધન્યતા અનૂભવી હતી.

આજે લાભ પાંચમના દિવસે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે કારતક સુદ પાંચમની તિથિ છે. ત્યારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાંથી વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા જરદોશી વર્કવાળા અને ગુલાબ સહિતના ફુલની ડિઝાઈનવાળા વાઘા અર્પણ કરાયા છે. આ સાથે આવતીકાલથી વડતાલમાં વિરાજિત શ્રીલક્ષ્મીનારાયણ દેવનો  દ્વિશતાબ્દી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જે અંતર્ગત દાદાના સિંહાસને વડતાલ મંદિરની પ્રતિકૃતિનો શણગાર કરાયો છે. આ પ્રતિકૃતિ વડોદરામાં ચાર લોકોએ ત્રણ દિવસમાં તૈયાર કરી છે. અહીં તેનો શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 3-3 કલાકનો સમય લાગ્યો હતો.

(12:12 PM IST)