News of Friday, 25th October 2024
ભાવનગરમાં પોલીસની ઓળખ આપી ગઠીયાએ સોની પાસેથી ગુગલ-પે દ્વારા ૩૧ હજાર પડાવ્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪: વોરા બજારમાં નારેશ્વર જ્વેલર્સના નામથી વેપાર કરતા વેપારીને ગઠીયાએ હુ પીએસઆઇ બોલુ છુ અને તમે ચોરી કરનારા શખ્સ પાસેથી ચોરીનો ચેઇન ખરીદ્યો છે એટલે ચેનના રૂપિયા મને ગુગલ-પેથી મોકલી આપો જો આ રકમ મને નહી મોકલો તો તમને કેસમાં ફીટ કરી દઇશ તેમ જણાવી ગઠીયાએ રૂા.૩૧,૫૦૦ની રકમ પડાવી લેતા આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે અલ્પેશભાઇ ચીમનભાઇ ધ્રાંગધરીયા (રહે.શ્રીરામ સોસાયટી, સરદારનગર)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અભિષેક સાવલીયાનું નામ જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા.૭ ઓક્ટોબરના રોજ ફરિયાદીના ફોન પર ફોન આવ્યો હતો અને ફોન કરનારા શખ્સે પોતાનું નામ વિજયરાજસિંહ ગોહીલ હોવાનું અને તે સુરત પોલીસમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા બજાવતા હોવાનું જણાવ્યું હતું.
આ શખ્સે જણાવ્યું હતું કે, અમે એક આરોપીને ચોરીના ગુનામાં પકડ્યો છે અને તેણે જણાવ્યું છે કે, તેણે ૫ ગ્રામનો સોનાનો ચેઇન તમને વેંચ્યો છે અને તે પેટે તમે રૂા.૩૧,૫૦૦ રોકડા આપ્યા હતા એટલે આ રકમ તમે મને ગુગલ-પેથી ચૂકવી આપો. જો તમે આ રકમ નહી ચૂકવો તો હુ રૂબરૂ આવીશ અને તમને પણ કેસમાં ફીટ કરી દઇશ.બનાવ ફેબ્રુઆરી માસનો બનાવ હોવાના કાણે ફરિયાદીને કંઇ યાદ ન હોય તેમણે પીએસઆઇ તરીકે ઓળખ આપનારા શખ્સને રૂા.૩૧,૫૦૦ ગુગલ-પેથી ચૂકવી આપ્યા હતા.
જો કે, ત્યાર બાદ ફરિયાદીના મોબાઇલ ફોન પર વાપી જીઆઇડીસી પોલીસનો ફોન આવ્યો હતો અને તેણે તમે કોઇ વ્યક્તિને રૂા.૩૧,૫૦૦ ચૂકવ્યા છે ? તેમ પુછતા ફરિયાદીએ પીએસઆઇને આ રકમ ચૂકવી હોવાનું જણાવતા વાપી પોલીસે આ વ્યક્તિ પીએસઆઇ નહી પરંતુ અભિષેક સાવલીયા હોવાનું અને તે પોલીસની ઓળખ આપી પૈસા પડાવતો હોવાનું જણાવતા ફરિયાદીને સાચી હકીકતની જાણ થઇ હતી.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
