News of Saturday, 28th September 2024
લો..બોલો! હવે નકલી યુવરાજ સામે આવ્યાઃ ગોંડલ સ્ટેટનાં યુવરાજ તરીકે ઓળખ આપનાર વાસ્તવમાં નકલી
રાજવી પરિવારને કરવી પડી ચોખવટઃ મહારાજાએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ કંયાથી?

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૮: ગોંડલનાં સ્વપ્નદ્રષ્ટા રાજવી સર ભગવતસિંહજીને કારણે આજે પણ ગોંડલ રાજ્યની અને રાજવી પરીવારની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાઈ છે. પરંતુ ગોંડલ સ્ટેટ હાલ ચર્ચામાં છે.
યદુવેન્દિ્સહ નામની વ્યકિતએ પોતે ગોંડલ સ્ટેટનાં યુવરાજ તરીકે ઓળખ આપી સમારંભોમાં મહાલતા હોવાની વિગતો સામે આવતા ચકચાર જાગી છે. બીજી બાજુ રાજવી પરીવારે આ વ્યક્તીને નકલી ગણાવી કોઇપણ જાતનાં સબંધ નથી તેવી ચોખવટ કરી છે. રાજવી પરીવાર નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરે તેવી શકયતાઓ પણ દર્શાવાઈ છે.
નકલી ડોક્ટર, કલેકટર,પોલીસ કે પીએ બાદ હવે કોઇ રાજ્યનાં નકલી યુવરાજ તરીકે ઓળખ આપનારાં પણ પડ્યા છે અને સમાજ ને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યા છે.તેવી વિગતો બહાર આવતા ગજબ થયો છે.
તાજેતરમાં મહેસાણા,ગોતા સહિતનાં કાર્યક્રમોમાં યદુવેન્દિ્સહ જાડેજા નામની વ્યક્તિ ગોંડલ યુવરાજ તરીકે માભો જમાવતા હોવાની વિગતો યુટયુબ સહિતનાં માધ્યમો દ્વારા બહાર આવતા ગોંડલ રાજ્યનાં ઉપલેટા,ધોરાજી અને ખુદ ગોંડલનાં કેટલાક સુજ્ઞ નગરજનોનાં ઓ..તારી' સાથે ભવા વંકાયા હતા. લોકો ગોંડલ રાજવી પરિવારથી સુપેરે પરિચિત હોય આ નવા યુવરાજ વળી કયાંથી આવ્યા તેવા સવાલ સાથે રાજવી પરિવારને જાણ કરી હતી. વિગતો જાણી રાજવી પરિવાર પણ અચંબીત બન્યો હતો.રાજ્યનાં એક માત્ર યુવરાજ હિમાંશુસિહજી હતા. તેમનું રાજતિલક હજુ આઠ માસ પહેલા થતા તેઓ ગોંડલનાં રાજવી બન્યા છે. રાજવી હિમાંશુસિહજીએ લગ્ન જ નથી કર્યા તો યુવરાજ કયાંથી?? ઉઠેલા સવાલો અંગે રાજવી પરિવારનાં પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાને વિગતે ચોખવટ કરવી પડીછે.
રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યુ કે ધંધુકામાં આસ્થા ફાઉન્ડેશનનાં સમારોહમાં, અમદાવાદ માં ઉમીયા ફાઉન્ડેશનનાં કાર્યક્રમ માં અને તાજેતરમાં ગોતા ખાતે ક્ષત્રીય અસ્મિતા મંચનાં નેજા હેઠળ યોજાયેલ ,ક્ષત્રીય રાજવીઓનાં સંમેલનમાં યદુવેન્દિ્સહ જાડેજા નામની વ્યક્તિ પોતાની ઓળખ ગોંડલ સ્ટેટનાં યુવરાજ તરીકે આપી રહ્યાની વિગતો અમને મળીછે. હદ તો ત્પારે થાય છે કે આ યદુવેન્દિ્સહે રાજવીઓનાં સંમેલનમાં ગોંડલ યુવરાજ તરીકે ઉદ્વબોધન પણ આપેલુ હતુ.
આ યદુવેન્દિ્સહનાં પરદાદાને ગોંડલ રાજ્યની નવ પેઢી પહેલા મતલબ કે સર ભગવતસિહજીથી પણ પહેલા વેજાગામ અને દાળીયા ગામનાં બે ગરાસ અપાયા હતા. એ સદીઓ પહેલાની વાત છે. બાદ અને હાલમાં યદુવેન્દિ્સહને ગોંડલ રાજવી પરીવાર સાથે કોઈ તાાનસુતક નો પણ સબંધ નથી.ગોંડલનાં રાજવી હિમાંશુસિહજીએ હજુ લગ્ન પણ નથી કર્યા તો યુવરાજ હોવાનો કોઈ સવાલ જ નથી. હાલ ગોંડલ સ્ટેટનો કારોબાર રાજમાતા કુમુદકુમારીજી ચલાવી રહ્યા છે.
રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્પષ્ટતા સાથે ચેતવણી પણ ઉચ્ચારી છે કે કોઇ પણ સંસ્થા કે સમાજે ગોંડલ નાં રાજવી પરિવાર અંગે કોઈ સ્ટેટમેન્ટ આપતા પહેલા અગાઉ થી ગોંડલ સ્ટેટ ની મંજુરી લેવી આવશ્યક છે.તેવુ જણાવ્યુ હતુ. રાજવી પરિવાર દ્વારા યુવરાજ તરીકે રોલો પાડી રહેલા નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરાશે તેવું જાણવા મળ્યું છે. (તસ્વીરમાં ગોંડલ મહારાજા હિમાંશુસિહજી તથા બીજી તસ્વીર નકલી યુવરાજ યદુવેન્દિ્સહ ની છે)
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
