<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

ખંભાળીયા-જામનગર રોડ ઉપર સાંજે ભારે વરસાદ વરસ્‍યો

ખંભાળીયા તા. ર૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમયના વિરામ પછી મેઘરાજાનું ગઇકાલે આગમન થયું હતું. ગત રાત્રીના ૧ર વાગ્‍યે ખંભાળિયામાં દોઢેક ઇંચ જેટલો વરસાદ પડયો હતો તો રાત્રે બારથી ચાર દરમ્‍યાન ભાણવડ જે દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વાળો તાલુકો છે ત્‍યાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા ઠેરઠેર પાણી પાણી થઇ ગયું હતું. તથા માંડ છલકાવાના બંધ થયેલા તળાવો ચેકડેમો ડેમો ફરીથી છલકાઇ ગયા હતા તો દ્વારકા તથા કલ્‍યાણપુરમાં ત્રણ મીમી જેટલા ઝાપટા પડયા હતા.

દ્વારકા જિલ્લાનો સરેરાશ વરસાદ ૮૦ ઇંચ જેટલો થવા આવ્‍યો છે. સૌથી ઓછો ભાણવડમાં ૬૧ ઇંચ કલ્‍યાણપુરમાં ૭૮ ઇંચ, દ્વારકામાં ૮૮ ઇંચ જેટલો પડયો છે. જયારે સૌથી વધુ ખંભાળિયામાં ૯૦ ઇંચ વરસાદ આ મોસમનો થયો છે. ર૦૧૦માં ૧૧૮ ઇંચ પડયો હતો.

ગઇકાલે સાંજે જામનગર રોડ પર ઝાખરથી સિકકા સુધીમાં જોરદાર વરસાદ પડતા ઠેરઠેર પાણી પાણી થઇ ગયું હતું.

ખંભાળિયા ભાણવડ પંથકમાં વ્‍યાપક વરસાદથી હાલ ટપક ફુવારા નાખીને પાકને પાણી પીવડાવતા ખેડૂતોમાં રાહત થઇ ગઇ છે. તો આગોતરા વાવેતર કરેલા ખેડુતો જેનો પાક તૈયારી પર છે તેવા કપાસ, મગફળીના ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાયા હતા.

(1:50 PM IST)