News of Saturday, 28th September 2024
ગિરનાર પરથી ભારે વરસાદનું ધોધમાર પાણી આવતા ભવનાથમાં ખાનાખરાબી
તળેટીમાં પાણીના પ્રવાહમાં રોડના ટુકડા : દાતાર ક્ષેત્રમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા શહેરમાંથી પસાર થતી કાળવા નદીના રૌદ્ર સ્વરૂપથી લોકોના જીવ અધ્ધર થઇ ગયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૮ : ગિરનાર અને દાતાર પર્વત પર શુક્રવારે બપોર બાદ થયેલા ભારે વરસાદને કારણે ભવનાથ તળેટીમાં મોટાપાયે ખાનાખરાબી સર્જાઇ હતી. પાણીના પ્રવાહમાં તળેટી ખાતે રોડના ટુકડા પણ થઈ ગયા હતા.
હાથીયા નક્ષત્રમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા શુક્રવારે બપોર બાદ જુનાગઢવાસીઓ બાનમાં મુકાઈ ગયા હતા.
જુનાગઢ શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. શુક્રવારે બપોર બાદના મુશળધાર વરસાદથી તળાવ દરવાજા, વૈભવ ચોક, સ્ટેશન રોડ, મોતીબાગ રોડ, માંગનાથ ચોક, સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ જોશીપુરા અંડર બ્રિજમાં રાબેતા મુજબ પાણી ભરાઈ જતા અહીંથી વાહન વ્યવહાર બંધ થયો હતો આ બાજુ ઝાંઝરડાના અંડર બ્રિજમાં પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી.
ગિરનાર પર્વત પર ૧૦ ઇંચ વરસાદ થતાં મેઘ તાંડવ જોવા મળ્યું હતું. આજે પ્રમાણે દાતાર ક્ષેત્રમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા શહેરમાંથી પસાર થતી કાળવા નદીના રોદ્ર સ્વરૂપથી લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
ગિરનાર પર ધોધમાર વરસાદથી દામોદર કુંડના તમામ પગથિયા ડૂબી ગયા હતા નરસિંહ મહેતાની પ્રતિમા સુધી પાણી પહોંચી ગયું હતું આ સાથે સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ભવનાથ તળેટીમાં પાણીના પ્રચંડ પ્રવાહનાં કારણે ભારતી આશ્રમથી સગર સમાજ વચ્ચેના રસ્તાના બે ટુકડા થઈ ગયા હતા.દરમિયાન સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન માણાવદરમાં ચાર ઇંચ, વંથલીમાં ત્રણ ઇંચ, જૂનાગઢમાં પાંચ ઇંચ, ભેસાણ તાલુકામાં બે ઇંચ, વિસાવદર વિસ્તારમાં ત્રણ ઇંચ, મેંદરડા પંથકમાં ત્રણ ઇંચ, કેશોદમાં બે ઇંચ, માંગરોળમાં ચાર ઇંચ અને માળીયાહાટીના તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
આજે પણ સવારથી જિલ્લાભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ સવારના છ થી આઠના પ્રારંભિક બે કલાકમાં માંગરોળ વિસ્તારમાં ૬ મીમી અને કેશોદમાં એક મીમી વરસાદ થયો હતો.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
