<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

જુનાગઢ જેલનો કાચો કેદી સાગર રાજકોટ સિવિલમાં પોલીસમેનની આંખમાં મરચુ છાંટી ભાગી ગયોઃ કેન્‍ટીનમાં લઇ જતી વખતે બનાવ

ગત સાંજે જ મોરબીથી મળવા આવેલી માતા અને અજાણ્‍યો કાવત્રાના ભાગરૂપે મરચાની ભુકી આપી ગયાની શક્‍યતા : જુનાગઢના કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ પરમારે પ્ર.નગરમાં ફરિયાદ નોંધાવીઃ રેલ્‍વે કેમ્‍પસ કોઠી કમ્‍પાઉસમાં થઇ છૂ થઇ ગયો

રાજકોટ તા. ૨૪: જુનાગઢ જેલમાં દૂષ્‍કર્મ પોક્‍સોના ગુનાનો કાચા કામનો કેદી પાંચેક દિવસ પહેલા જેલમાં ખીલી ખાઇ જતાં તેને વધુ સારવાર માટે ૨૨મીએ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમા ખસેડાયો હતો. અહિથી તે બીજા દિવસે એટલે કે ગત સાંજે તેને જાપ્‍તાના પોલીસ કર્મચારી કેન્‍ટીન તરફ નાસ્‍તો કરાવવા લઇ જતાં હતાં ત્‍યારે કોન્‍સ્‍ટેબલની આંખમાં મરચાની ભુકી છાટી ભાગી જતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટના પહેલા જ કેદીને તેની માતા અને એક અજાણ્‍યો મળવા આવ્‍યા હોઇ કાવત્રુ ઘડી મરચાની ભુકી આપી ગયાની શક્‍યતા છે. રેલ્‍વે કેમ્‍પસ કોઠી કમ્‍પાઉન્‍ડ તરફ થઇ આ કેદી ભાગી ગયો હતો.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે જુનાગઢ પોલીસ હેડક્‍વાર્ટરમાં ફરજ બજાવતાં કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ નારણભાઇ બાબરીયાની ફરિયાદ પરથી સાગર નવઘણભાઇ મુંધવા (ઉ.વ.૩૦-રહે.ચુનારા રોડ લાયન્‍સ નગર મોરબી) વિરૂધ્‍ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ બાબરીયાએ જણાવ્‍યું હતું કે ૨૨/૯ના સાંજે હું તથા હેડકોન્‍સ. ગોપાલભાઇ ઝાલાને હાજરી માસ્‍તર તરફથી વર્ધી મળી હતી કે જુનાગઢ જેલમાંથી આરોપીને મેડીકલ સારવાર માટે રાજકોટ  સિવિલ હોસ્‍પિટલ ખાતે લઇ જવાનો છે. જેથી અમે જેલમાંથી આરોપી સાગર મુંધવાનો કબ્‍જો લીધો હતો. સાગર બળાત્‍કાર, પોક્‍સો અને એટ્રોસીટીના ગુનાનો કાચા કામનો કેદી છે. તેણે પાંચ દિવસ પહેલા જુનાગઢ જેલમાં ખીલી ખાઇ લીધી હોઇ જેથી જુનાગઢ સારવાર અપાવાઇ હતી. પરંતુ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાની જરૂર હોઇ સરકારી વાહનમાં ૨૨/૯ના રોજ તેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે લાવ્‍યા હતાં.

અહિ તબિબે ઓપરશેનની જરૂર પડશે તેમ કહેતાં તા. ૨૩ના રોજ આ કેદીના સગાને જાણ કરી હતી. જેથી તેના માતા અને એક અજાણ્‍યો શખ્‍સ રાજકોટ સિવિલ હોસ્‍પિટલ પ્રીઝનર વોર્ડ ખાતે સાગરને મળવા આવ્‍યા હતાં. સાંજે અમે જાપ્‍તામાં હતાં. આ વખતે ગોપાલસિંહ વોશરૂમ ગયા હતાં. ડોક્‍ટરે આ કેદીને કેળા સહિતના ફ્રુટ ખવડાવવાનું કહ્યું હતું.ં તેણે પોતાને ભુખ લાગી છે તેમ કહેતાં હું તેને લઇને સિવિલ હોસ્‍પિટલની કેન્‍ટીન તરફ લઇ જતો હતો.

આ વખતે અચાનક સાગરે હાથમાં રહેલા રૂમાલ જેવું કઇક હતુ તેમાં લાલ મરચાની ભુકી હોઇ મારી આંખમાં છાંટી દીધી હતી અને મને ધક્કો મારી ભાગી ગયો હતો. હું પાછળ દોટ મુકી સિવિલ હોસ્‍પિટલના ગેઇટ સુધી ગયો હતો. ત્‍યાંથી તે કોઠી કમ્‍પાઉન્‍ડ તરફ રેલ્‍વેના કેમ્‍પસમાં થઇ નાશી ગયો હતો. એ પછી મેં પોલીસને જાણ કરી હતી. ત્‍યારબાદ પ્ર.નગર પોલીસ, રેલ્‍વે પોલીસ, એલસીબી સહિતની ટીમોએ તપાસ કરી હતી પણ કેદી સાગર મળ્‍યો ન હોઇ મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં કોનસ. ધર્મેન્‍દ્રસિંહે જણાવ્‍યું હતું.

મોરબીનો વતની સાગર કેશોદના દૂષ્‍કર્મ, પોક્‍સોના ગુનામાં અગિયારેક માસથી જુનાગઢ જેલમાં હતો. તેને ખીલી ખાઇ લેતાં રાજકોટ સારવાર માટે લાવવામાં આવ્‍યો હતો. અહિ તેને મળવા માટે ગત સાંજે તેના માતા અને અજાણ્‍યો શખ્‍સ આવ્‍યા હોઇ તે જ કાવત્રુ ઘડી મરચાની ભુકી આપી ગયાની શક્‍યતા છે. પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાત, ડી. સ્‍ટાફ ટીમ અને એલસીબી તથા ક્રાઇમ બ્રાંચની ટીમોએ સાગરને શોધી કાઢવા દોડધામ યથાવત રાખી છે.

 

(11:13 AM IST)