<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ભાઇ દ્વારા ભાઇ - બહેનો - પિતા પાસેથી જમીન ખરીદનાર સામે ભાગમાંથી

દસ્‍તાવેજ રદ કરાવવા કરેલ દાવો નામંજુર

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. ૧૭ : ભાઈએ તેના ભાઈ તથા બહેનો તથા પિતા પાસેથી જમીન ખરીદનાર સામે ભાગ માગવા તથા દસ્‍તાવેજ રદબાતલ ઠરાવવા ફરેલ દાવો રદ ફરતો ગોંડલ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંક હકીકત એવી છે કે, જગદીશભાઈ ગોવિંદભાઈ વોરાએ વાદી તરીકે તેના ભાઈ સુરેશભાઈ તથા બહેનો નિર્મળાબેન, નિરૂબેન, ઉષાબેન તથા પિતા પાસેથી જમીન ખરીદનાર જગદીશભાઈ ઘુસાભાઈ ઠુંમર ને પ્રતિવાદીઓ તરીકે જોડી તેઓની સામે વાદગ્રસ્‍ત જમીનમાથી ભાગ મળવા તથા દસ્‍તાવેજ રદબાતલ ઠરાવવા વિગેરે દાદ માગતો દાવો ગોંડલ કોર્ટમાં સને-૨૦૧૭ મા દાખલ કરેલો જે દાવાની પ્રતિવાદીઓને બજવણી થતા તેઓ ગોંડલના વકીલ શ્રી નિરંજય એસ. ભંડેરી મારફત કોર્ટમા હાજર થયેલા અને વાદીના દાવાની સામે જવાબ-વાંધા રજુ કરેલા.

ત્‍યારબાદ પ્રતિવાદી તરફે વાદીની વિસ્‍તૃત ઉલટતપાસ કરવામા આવેલી અને સમગ્ર કેસ ચાલી જતા પ્રતિવાદી તરફે એવી દલીલો કરવામા આવેલ કે, વાદી તથા પ્રતિવાદી નં. ૧ થી ૪ ને તેના માતા-પિતાએ તેની હૈયાતી દરમ્‍યાન મિલકતમાથી જે કાઈ ભાગ આપવાનો હતો તે આપી દીધેલ છે અને અગાઉ આ બાબતે લેખિતમા સમજુતી પણ થઈ ગયેલ છે જે હકીકત વાદીએ દાવામા છુપાવેલ હોય જેથી વાદી ચોખ્‍ખા હાથે ન્‍યાય માગવા અદાલત સમક્ષ આવેલ નથી તેમજ રજુ થયેલ રેવન્‍યુ રેકર્ડ જોતા પ્રતિવાદી કરતા વાદી પાસે જમીન વધારે છે. વાદી તથા પ્રતિવાદી નં. ૧ થી ૪ ના પિતા પાસે જે જમીન વારસાઈથી આવેલી તેમાં પિતાએ તેના વારસદારોનો હિસ્‍સો છોડી તેના હિસ્‍સે જે જમીન આવતી હતી તેના કરતા પણ ઓછી જમીનનુ પ્રતિવાદી નં.૫ ને રજી.દસ્‍તાવેજ થી વેચાણ કરેલ છે અને તે વેચાણ પણ કુટુંબના હિતાર્થે કરેલ હોય જેનો રજી.દસ્‍તાવેજમા પણ ઉલ્લેખ કરવામા આવેલ છે. જેથી પિતાને તેની હૈયાતીમાં મિલકતનુ વેચાણ કરવુ હોય તો તેના વારસોની સંમતિ લેવાની જરૂર ન હોવાથી પ્રતિવાદી નં.૫ શુધ્‍ધબુધ્‍ધિના ખરીદનાર હોય તેના નામે થયેલ રજી.દસ્‍તાવેજ રદબાતલ ઠરાવી શકાય નહી તેમજ વાદીની વર્તણુંક જોતા વાદી પ્રથમ થી જ સંયુકત પરિવારથી અલગ રહેતા હોય, માતા-પિતાની ઉતરક્રિયા પાછળ પણ વાદીએ કોઈ ખર્ચ કરેલ ન હોય, વાદીને માત્ર મિલકત મેળવવામા કે પ્રતિવાદીઓ પાસેથી ગેરકાયદેસર રીતે નાણા પડાવવામા જ રસ હોય તેમ જણાય આવતુ હોય જેથી પણ વાદીને કોઈ દાદ મળી શકે તેમ નથી. આ સિવાય પણ કાયદા અને હકીકતના મુદાઓ ઉપર વિસ્‍તૃત દલીલો કરવામા આવેલ હોય તે તમામ દલીલો સાથે સહમત થઈ ગોંડલના પ્રિન્‍સીપાલ સિનિયર સિવિલ જજ શ્રી એમ.એસ.દવે એ વાદીનો દાવો ના-મંજુર કરતો હુકમ કરેલ છે. આ કામમાં પ્રતિવાદી નં.૧ થી ૪ તરફે ભંડેરી એડવોકેટસ-ગોંડલના ધારાશાષાી શ્રી શિવલાલ પી. ભંડેરી, અંબાગૌરી એસ. ભંડેરી, નિરંજય એસ. ભંડેરી, પ્રજ્ઞા એન. ભંડેરી, ભકિત એસ. ભંડેરી, રવિરાજ પી. ઠકરાર તથા પ્રતિવાદી નં.૫ તરફે શૈલેષભાઈ એલ. પટેલ એડવોકેટ રોકાયેલા હતા

(12:29 PM IST)