<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

કરોડો રૂપિયાના દાનથી બનેલી અદ્યતન ધોરાજી સરકારી હોસ્‍પીટલ નિષ્‍ણાંત તબીબોના અભાવે નિરર્થક

ના છૂટકે ઇમરજન્‍સી કેસ રિફર કરવા ફરજ પડે છે : કુલ ૬૮ જગ્‍યા પૈકી ૩૩ મુખ્‍ય જગ્‍યા ખાલી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૩:  ધોરાજી ની સરકારી હોસ્‍પિટલમાં વર્ષોથી નિષ્‍ણાંત તબીબોની ઘટ કાયમી રહી છે જે બાબતે સરકારશ્રીના આરોગ્‍ય વિભાગ દ્વારા દૂર લક્ષ્ય સેવાતુ હોય તેમ લાગી રહ્યું છે મોટાભાગના આવશ્‍યક અને નિષ્‍ણાંત તબીબો ન હોવાને કારણે ભારે મુશ્‍કેલીઓ સર્જાઇ રહી છે અને ઈમરજન્‍સીમાં બહાર બીજા ગામ જતાં દર્દીઓ સમયના અભાવે જાન ગુમાવી ચૂકયા હોવાના પણ દાખલાઓ બન્‍યા છે.

ધોરાજી સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો.જયેશ વેસેટીયન એ જણાવ્‍યું હતું કે હાલ ચાર મેડિકલ ઓફિસર ની જગ્‍યાએ માત્ર એક ડોક્‍ટર સેવા આપી રહ્યા છે જ્‍યારે નિષ્‍ણાંત તબીબોમાં એમડી, એમ, એસ, ગાયનેક, પીડીયાટ્રીક, ઓર્થો સર્જન, ઈ.એન.ટી અને આઈ સર્જન, સહિત નિષ્‍ણાત ડોક્‍ટરોની જગ્‍યા ઘણા સમયથી ખાલી છે. કયારેક કોઈ ગંભીર અકસ્‍માત કે ઇમરજન્‍સી સમયે ધોરાજી સરકારી હોસ્‍પિટલમાં નિષ્‍ણાંત તબીબ ન હોવાને કારણે ના છૂટકે અન્‍ય હોસ્‍પિટલમાં રીફર કરવા જરૂરિયાત ઊભી થાય છે.

ધોરાજી સરકારી હોસ્‍પિટલમાં ૫૬ બેડની કોમેન્‍ટ હોસ્‍પિટલ ઓક્‍સિજન પ્‍લાન્‍ટ લેબોરેટરી સોનોગ્રાફી મશીનો ઓપરેશન થિયેટર આંખના વિભાગ માટેના અધ્‍યતન સાધનો અને અન્‍ય આવશ્‍યક મેડિકલ મશીનરીઓ પૂરતા પ્રમાણમાં છે ધોરાજી સરકારી હોસ્‍પિટલ ખાતે કુલ મહેકમ ૬૮ છે જ્‍યારે તેમાંથી ૩૩ જેટલી જગ્‍યાઓ હાલ ખાલી પડેલી છે. તેમ અધિક્ષક  ડો.જયેશ વેસેટીયન એ જણાવેલ હતું.

ધોરાજી સરકારી હોસ્‍પિટલ નું ભવ્‍ય બિલ્‍ડિંગ અને અધ્‍યતન મેડિકલ સાધનો પૂરતા પ્રમાણમાં હોવા છતાં ડોક્‍ટરોના અભાવે ને કારણે દર્દીઓએ ખૂબ જ હાલાકી ભોગવી પડે છે ના છૂટકે ખાનગી હોસ્‍પિટલમાં મોંઘી દાટ સારવાર લેવી પડે છે અને ઈમરજન્‍સીના કેસમાં અન્‍ય શહેરમાં સારવાર માટે હેરાન થવું પડે છે ત્‍યારે દાતાઓ દ્વારા અપાયેલું લાખો કરોડો રૂપિયાનું દાન એળે જતું હોય તેવી સ્‍થિતિ નિર્મિત થઈ છે.

એક બાજુ સરકાર દસ લાખ રૂપિયાનું આયુષ્‍યમાન કાર્ડ આપી રહ્યું છે બીજી બાજુ સારવારનો અભાવ સરકારી હોસ્‍પિટલમાં....?

સ્‍થાનિકોના જણાવ્‍યા મુજબ એક બાજુ સરકાર દસ લાખ રૂપિયાનું આયુષ્‍યમાન કાર્ડ આપી રહી છે ત્‍યારે બીજી બાજુ સરકારી હોસ્‍પિટલમાં સારવારનો અભાવ હોવાથી લોકો પણ ખાનગી હોસ્‍પિટલમાં જાય તેવું પણ સરકાર વિચારી રહી હોય તેવું ધોરાજીમાં જોવા મળી રહ્યું છે....?.

(2:09 PM IST)