<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

જુનાગઢના પિતાની પુત્ર સાથે ધોરાજીની ભાદર નદીમાં મોતની છલાંગ

રીક્ષા ચાલક હિરેનભાઇ નિરંજનભાઇ જયસ્‍વાલ પોતાના પુત્ર જીયાન સાથે મોત મીઠુ કર્યું : પુત્રીનો બચાવ : કારણ અંગે પોલીસ તપાસનો ધમધમાટ

(કિશોર રાઠોડ - ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૧૦ : ધોરાજીની ભાદર નદીમાં જુનાગઢના પિતા હિરેનભાઇ નિરંજનભાઇ જયસ્‍વાલ અને પુત્ર જીયાનના આપઘાતથી અરેરાટી વ્‍યાપી ગઇ છે. જ્‍યારે પુત્રીનો બચાવ થયો છે. બંનેના મૃતદેહ ભાદર નદીમાંથી મળી આવ્‍યા બાદ પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ જુનાગઢના રીક્ષા ચાલક હિરેન નિરંજનભાઇ જયસ્‍વાલ (ઉ.૪૫) પોતે અને તેનો પુત્ર જીયાન (ઉ.વ.૯) અને તેની પુત્રી (ઉ.૧૪)ને લઇને ધોરાજીની રોયલ ગર્લ્‍સ સ્‍કુલથી આગળ આવેલ ભાદર-૨ ડેમના પુલથી પુત્ર સાથે પાણીમાં ઝંપલાવતા અને પુત્રીએ રાડારાડ કરતા લોકો ભેગા થઇ ગયેલ અને આ અંગે મામલતદાર, ૧૦૮, પોલીસ અને માનવ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓ ઘટના સ્‍થળે દોડી ગયેલ.

મરણ જનાર હિરેનભાઇ જયસ્‍વાલ જુનાગઢ ખાતે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને તેને ૨ પુત્રી અને ૧ પુત્ર હોવાનું જાણવા મળે છે. આ દુઃખદ ઘટનાની જાણ થતાં પરિવારજનો ધોરાજી ખાતે દોડી આવેલ હતા.

 ગઈકાલે રાત્રિના સમયમાં જુનાગઢના દાતાર રોડ જુનાગઢ ખાતે રહેતા હિરેનભાઈ જયસ્‍વાલ અને તેનો પુત્ર જીયાન ઉંમર વર્ષ ૯ અને તેની પુત્રી ત્રણેય સાથે જુનાગઢ થી સોમવારે રાત્રિના  ધોરાજી તરફ નીકળી ગયા હતા. તેમની પત્‍ની જૂનાગઢ ખાતે એકલી રાખી દીધી હતી અને તેમને મૂકીને પિતા અને બંને સંતાનો સાથે ધોરાજી તરફ આવી અને ઉપલેટા નેશનલ હાઈવે પાસે આવેલ ભાદર ૨ નદી પાસે ઊભા રહી તેમની પત્‍નીને ફોન કર્યો કે તું તાત્‍કાલિક આવી જા આ પ્રકારની વાત કરીને અચાનક જ પિતા પુત્ર એ ભાદર નદીમાં ઝંપલાવી દીધું હતું અને પુત્રી ઉભી રહી ગઈ હતી તેથી બચી ગઈ છે. ઉપરોક્‍ત બનાવવાની જાણ થતા ધોરાજી તાલુકા પોલીસ અને ધોરાજી મામલતદાર તાત્‍કાલિક ઘટના સ્‍થળે નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને લઈને દોડી ગયા હતા. પરંતુ લાંબા સમય બાદ બંનેની શોધખોળ કરતા જૂનાગઢના હિરેનભાઈ જયસ્‍વાલ ઉંમર વર્ષ ૪૨ અને તેમનો પુત્ર જિયાન ઉંમર વર્ષ ૯ ને શોધીને તાત્‍કાલિક સિવિલ હોસ્‍પિટલ ધોરાજી ખાતે પહોંચાડતા ડોક્‍ટરે મળત જાહેર કર્યા હતા.

ઉપરોક્‍ત બનાવ બાબતે તેમના સગા કિર્તીભાઈ ચંપકભાઈ જયસ્‍વાલ રહે. જુનાગઢ એ પત્રકારોને જણાવેલ કે તેમના જમાઈ હિરેનભાઈ તેમનો પુત્ર જીયાન અને પુત્રી ત્રણે જુનાગઢથી નીકળી ગયા હતા અને ઝાલણસરના પૂલ પાસે આવીને હિરેનભાઈ તેમની પત્‍નીને ફોન કરે છે કે હું ધોરાજી તરફ જઈ રહ્યો છુ તમો તાત્‍કાલિક આવો બાદ ત્‍યાંથી તે ઉપલેટા રોડ નેશનલ હાઇવે ભાદર નદી પાસે પહોંચતા પિતા, પુત્ર અને પુત્રી ત્રણેય ભાદર નદી પાસે જોવા લાગેલા હતા અને પુત્રીના જણાવ્‍યા મુજબ પિતા અને પુત્ર બંને એકસાથે પૂલ ઉપરથી ઠેકડો મારીને ભાદર નદીમાં આપઘાત કર્યો હતો.

ઉપરોક્‍ત બનાવ કયાં કારણસર બન્‍યો છે તે હજુ જાણવા મળ્‍યું નથી તેમના પત્‍ની ૮૦૦૦ રૂપિયાના પગારમાં નોકરી કરવા જાય છે અને સવારના આઠથી રાત્રિના આઠ ૧૨ કલાક સુધી તે બહાર જ રહેતા હોય છે અને કયાં કારણો સર આ પગલું ભર્યું તે હજુ સુધી અમને જાણવા મળ્‍યું નથી ઉપરોક્‍ત બનાવ બાબતે તાલુકા પોલીસ સ્‍ટેશન ધોરાજીના પીઆઇ ગોહિલે તપાસ હાથ ધરી છે.

(11:08 AM IST)