<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

વિંછીયાના સોમલપર ગામે પ્રેમીપંખીડાનો આપઘાત

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૪ : વિંછીયા તાલુકાના સોમલપર ગામે રહેતા જયરાજ સવજીભાઈ સદાદિયા અને તેની પ્રેમિકા હવે એક નહીં થઈ શકે તેવું લાગતા બંનેએ સોમલપર ગામની બાજુમાં આવેલ ઉમઠની વિડીમા જઈ ઝાડ ઉપર લટકી ગળે ફાંસો ખાય આપઘાત કરી લેતા બંનેના પરિવારજનો અને ગામમાં અરેરાટી છવાઈ ગઈ છે.

આ અંગે જસદણ પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે ચાર વાગ્‍યા આસપાસ વીડીમાંથી પસાર થતા કોઈ રાહદારીના નજરે આ બંને લટકતા જોવા મળતા તાત્‍કાલિક ગામ લોકોને જાણ કરી હતી જાણ થતા જ ગામના અનેક લોકો ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને જસદણ પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહને ઉતારી જસદણ સરકારી દવાખાને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્‍યા હતા.

હવે બધાને શાંતિ થશે...

બંનેએ આપઘાત પહેલા યુવકના ફેઈસબુક  ઉપર એક પોસ્‍ટ મૂકી હતી જેમાં તેણે લખ્‍યું હતું કે હવે બધાને શાંતિ થશે અમે બધાને હેરાન કર્યા તે બદલ અમે બંને બધાની માફી માંગીએ છીએ.

આ ઉપરાંત અમારા બંનેના લગ્ન કરવા બંનેના ફેમિલી રાજી થઈ ગયા હતા પણ યુવતીના પપ્‍પાના ભાઈ ગેલાભાઈ બંને ફેમિલીના હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતા હતા જેને કારણે અમારે હવે જીવવું નથી.

યુવક - યુવતી ડરી ગયેલા...

ઉલ્લેખનીય છે કે ગામમાં ચર્ચાતી હકીકત મુજબ બંનેના પરિવારજનો સમજાવટથી બંનેના લગ્ન કરી દેવા માની ગયા હતા પરંતુ યુવતી પક્ષે તેના કાકાને આ સંબંધ મંજૂર ન હોય તેથી તેવો જોઈ લેવાની અને અવાર-નવાર ટાંટીયા ભાંગી નાખવાની ધમકીઓ આપતા હોય આ બંને યુવક અને યુવતીને ડર લાગ્‍યો હોય બંને આ ભવમાં એક નહીં થઈ શકીએ એવું વિચારી આ પગલુ ભરી લીધુ હતુ.

જસદણ પંથકમાં ચકચાર

આ બનાવની વધુ તપાસ જસદણ પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલ રોજાસરા ચલાવી રહ્યા છે. આ બનાવથી બંનેના પરિવારજનોમાં અને નાના ગામમાં શોક છવાઈ ગયો છે.(

(12:07 PM IST)