<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

વિસાવદરના જાંબુડી-રામપરા વચ્ચે રસ્તામાં બાઈકસવાર આધેડ પર સિંહણનો હુમલો: લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરથી કામ પૂરું કરી સમી સાંજે ઘરે પરત ફરતા આધેડ પર સિંહણે હુમલો કર્યાનો બનાવ બન્યો છે. લાખા માધડ નામના આધેડ પોતાના ઘરે પરત ફરતા હતા. તે સમયે અચાનક જ સિંહણે તેના પર હુમલો કરી પગમાં બચકું ભર્યાનુ બહાર આવ્યુ છે. રસ્તા પરથી પસાર થતા લોકોએ સિંહણે હુમલા કર્યાની જાણ આધેડના પુત્રને કરતા તેનો પુત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો જુનાગઢ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે..

  ઇજાગ્રસ્ત લાખાભાઈ માધડે જણાવ્યું હતું કે હું વિસાવદર થી કામ પૂરું કરી બાઈક પર રામપરા મારા ઘરે જતો હતો. ત્યારે રસ્તા વચ્ચે સિંહણે મારા પર હુમલો કર્યો હતો. સિંહણે મારા પગમાં બચકું ભર્યું હતું ત્યારે હું મારો જીવ બચાવી ત્યાંથી માંડ નીકળ્યો હતો.

    ઈજાગ્રસ્ત આધેડના પુત્ર મહેશ માધડે જણાવ્યું હતું કે મારા પિતા મજૂરી કામ કરી ઘરે પરત ફરતા હતા. તે સમયે જાંબુડી અને રામપરા વચ્ચે રસ્તામાં અચાનક સિંહણે તેના પર હુમલો કર્યો હતો. જેના કારણે મારા પિતાને પગમાં ગંભીર ઈજા થઈ છે. મારા પિતા પોતાની બાઇક લઇ ઘરે પરત ફરતા હતા. તે સમયે અચાનક જ સિંહણે તેના પર હુમલો કર્યો હતો.

(12:51 AM IST)