તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
જસદણના બેલડામાં પરિણીતા કૈલાસબેનની ઝાડવે લટકતી લાશ મળીઃ પિતાએ કર્યો હત્યાનો આક્ષેપ
કેરાળા રહેતાં બીજલભાઇ દેકાણીએ કહ્યું-આગલા દિવસે જ દિકરીએ ફોન કરી કહેલું કે હવે મને આ લોકો જીવવા નહિ દે તેડી જાવ, હું તેડવા જતાં સમાધાન કરી મને પાછો વાળ્યો હતોઃ ગઇકાલે સવારે મેં ફોન કર્યો ત્યારે દિકરી વાડીએ ગયાનું તેના સસરાએ કહ્યું, સાંજે દિકરીના મોતના વાવડ આવ્યાઃ જે ઝાડવા પરથી લાશ મળી ત્યાં દિકરી ચડી ન શકે, મારકુટ કરી પતાવી દઇ લાશ લટકાવી દીધાની અમને શંકાઃ મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

જમાઇ વિશાલને જૂગારની ટેવ, મોટે ભાગે બહાર જ ફરતો રહે છેઃ દિકરીના કરિયાવરના દાગીના પણ વેંચી નાંખ્યાનો પિતાનો ચોંકાવનારો આક્ષેપ
કૈલાસબેનનો ઝાડમાં લટકતો મૃતદેહ, રાજકોટ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે દિકરીના નિષ્પ્રાણ દેહને નિહાળતાં શોકમય પિતા બીજલભાઇ, કૈલાસબેનનો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે
રાજકોટ તા. ૯: જસદણના બેલડા ગામની પરિણીતા કૈલાસબેન વિશાલ તલાવડીયા (ઉ.વ.૨૪)ની તેની જ વાડીના ઝાડવે લટકતી લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સાસરિયાના કહેવા મુજબ બપોરે બારથી બે વચ્ચેના સમયમાં તેણીએ પોતાની જાતે જ વાડીના ઝાડમાં લટકી જઇ આપઘાત કરી લીધો હતો. બીજી તરફ કૈલાસબેનના પિતા કેરાળા ગામે રહેતાં બીજલભાઇ રામજીભાઇ દેકાણીએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે મારી દિકરીએ આપઘાત નથી કર્યો પણ તેને મારીને લાશ ઝાડવે લટકાવી દેવામાં આવી છે. જમાઇ સહિતના સાસરિયાનો મારી દિકરીને અનહદ ત્રાસ હતો. આ આક્ષેપોને પગલે જસદણ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે.
જાણવા મળ્યા મુજબ જસદણના વિંછીયા નજીક આવેલા બેલડા ગામે રહેતી કૈલાસબેન વિશાલ તલવાડીયાની વાડીના ઝાડમાં ગળાફાંસાથી મોત થયાની જાણ થતાં જસદણ પોલીસે કાર્યવાહી કરી હતી. સાસરિયાએ આ ઘટના આપઘાતની હોવાનું કહ્યું હતું. પરંતુ કૈલાસબેનના માવતર પક્ષે મૃત્યુ અંગે શંકા દાખવી આ બનાવ હત્યાનો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતાં પોલીસને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
મૃત્યુ પામનાર કૈલાસબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. તેને સંતાનમાં બે પુત્ર છે જેમાં એકની ઉમર બે વર્ષ અને બીજાની સાડા ત્રણ વર્ષ છે. તેણી ચાર બહેન અને બે ભાઇમાં મોટી હતી. તેનો પતિ વિશાલ તલાવડીયા ખેત મજૂરી કરે છે. સાસરિયા પક્ષે કહ્યું હતું કે પતિ-પત્નિ વચ્ચે ઘણા સમયથી કલેશ ચાલતો હોવાથી કૈલાસબેને જાતે જ વાડીના ઝાડમાં લટકીને આપઘાત કર્યો છે.
જો કે આ ગઢડાના કેરાળા ગામે રહેતાં મૃતક કૈલાસબેનના પિતા બીજલભાઇ દેકાણીએ આ બનાવ આપઘાતનો નહિ પણ હત્યાનો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દિકરી કૈલાસના ચાર વર્ષ પહેલા લગ્ન થયા ત્યારથી જ પતિનો તેણીને ખુબ ત્રાસ હતો. પતિ વિશાલ મોટે ભાગે બહારગામ જ ફરતો રહેતો હતો, તે વાડીના કામમાં ધ્યાન આપતો જ નહિ અને મારી દિકરી પાસે જ કામ કરાવતો હતો. જૂગારની ટેવ હોઇ મુંબઇ, દિલ્હી જઇ બેફામ રૂપીયા ઉડાવી આવતો હતો. મારી દિકરીને અમે કરિયાવરમાં આપેલા દાગીના પણ તેણે વેંચી નાંખ્યા હતાં. દિકરી સાથે માથાકુટ કરી તે તેને રાંઢવાથી મારકુટ કરતો હોવાની અગાઉ પણ દિકરીએ અમને ફરિયાદ કરી હતી. પણ સંસાર ન બગડે એટલે અમે તેને સમજાવી દેતાં હતાં.
હજુ બુધવારે જ દિકરી કૈલાસે મને ફોન કરીને કહેલું કે આ લોકો મને જીવવા નહિ દે, મને અહિથી તેડી જાવ. આથી હું તરત તેના ગામ બેલડા ગયો હતો. એ વખતે ત્યાંના પાંચ છ જણાએ ભેગા થઇ હવે પછી કોઇ તકલીફ નહિ પડે તેવી ખાત્રી આપતાં હું દિકરીને ફરી સમજાવીને સાસરીયામાં જ રહેવાની સમજણ આપી મારા ઘરે જતો રહ્યો હતો. બીજા દિવસે એટલે કે ૮મીએ ગુરૂવારે સવારે મેં ખબર પુછવા દિકરીને ફોન જોડતાં તેના સસરાએ ફોન ઉપાડયો હતો અને બધા વાડીએ જતાં રહ્યા છે તેમ કહ્યું હતું. એ પછી સાંજે સાડા ચાર પાંચે મને ફોન કરીને કહેલું કે તમારી દિકરીને મજા નથી તમે બેલડા આવો.
હું બેલડા જતાં મને અડધો કલાક સુધી બેસાડી રાખી ખોટી વાતો કરી હતી અને દિકરીને બોટાદ સારવારમાં લઇ ગયા છે તેવી વાત કરી હતી. એ પછી મને કહેલુ કે તમારી દિકરી હવે રહી નથી. અમને વ્હોટ્સએપથી દિકરીના જે ફોટા મળ્યા તેમાં જે ઝાડની ડાળી પર તે લટકતી દેખાય છે ત્યાં તે ચડી શકે તેવું માનવામાં જ નથી આવતું. દિકરીએ હજુ તો આગલા દિવસે મને ફોન કરીને વાત કરી હતી કે આ લોકો જીવવા નહિ દે, ત્યાં બીજા જ દિવસે તેણીના મોતના વાવડ મળ્યા હતાં. દિકરીને મારીને પતાવી દઇ લાશ ટીંગાડી દીધાની અમને પુરી શંકા છે. તેમ વધુમાં પિતા બીજલભાઇએ જણાવતાં જસદણ પોલીસ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ આગળ કાર્યવાહી કરશે. આ બનાવથી અરેરાટી વ્યાપી ગઇ છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
