તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
જામનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિન, રક્ષાબંધન, જન્માષ્ટમી, સવંતસરીના તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ સહિત તમામ પ્રવૃતિઓ કરવા પર જાહેરનામામાં પ્રતિબંધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.08
આગામી દિવસોમાં સ્વાતંત્ર્ય દિન, રક્ષાબંધન, જન્માષ્ટમી, સવંતસરી જેવા તહેવારો ઉજવવામાં આવનાર હોય, જેને ધ્યાનમાં લેતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તારીખ 06/09/2024 સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામામાં દર્શાવ્યા મુજબના સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળાં દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી. શાહ મ્યુનિ.ટાઉનહોલમાં પ્રવેશ કરવો આવી તમામ પ્રવૃતિઓ કરવા પર જાહેરનામામાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135 (1) મુજબ દંડની સજા, ઓછામાં ઓછા 4 મહિનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે.
આ જાહેરનામું ફરજ પરના હાજર અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, હોમ ગાર્ડઝ, ગ્રામરક્ષક દળના સભ્યો જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓ, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલા હોય, પોલીસ અધિક્ષકશ્રી અથવા તેમણે નિયુક્ત કરેલા અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલી હોય અને કિરપાણ રાખેલા શીખને લાગુ પડશે નહીં.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
