<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

જુનાગઢ : ગુજસીટોક કેસમાં રાજુ સોલંકી સહિત ૪ આરોપીઓ સુરતની લાજપોર જેલમાં ધકેલાયા

રિમાન્‍ડ પુરા થતાં ગુજસીટોક કોર્ટે તમામને જેલ હવાલે કરવા હુકમ કર્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૮ : જૂનાગઢના ચકચારી ગુજસીટોક કેસમાં ગેંગનો મુખ્‍ય સૂત્રધાર રાજુ સોલંકી સહિત ૪ આરોપીઓને રિમાન્‍ડ પુરા થતા સુરતની લાજપોર જેલમાં મોકલી આપવામાં છે.

જૂનાગઢમાં  ગેંગ બનાવીને ગુનાહિત પ્રવળત્તિઓ આચરતી ગેંગના લીડર રાજુ બાવજીભાઈ સોલંકી, તેના બે પુત્રો દેવ રાજુ સોલંકી, સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી તથા તેનો ભાઈ જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી અને ભાણિયો યોગેશ કાળા બગડા વિરૂદ્ધ ૩ ઓગસ્‍ટના રોજ ગુજસીટોક કાયદા તળે કાર્યવાહી કરાઈ હતી.

આ કેસમાં હત્‍યાની કોશિશના ગુનામાં જયેશ સોલંકી જેલમાં હોય અન્‍ય ૪ આરોપીની ધરપકડ બાદ માંગરોળના ડીવાયએસપી દિનેશ કોડીયાતરે તપાસ સંભાળી ચારેય આરોપીને ત્રણ દિવસના રિમાન્‍ડ પર મેળવ્‍યા હતા.

રિમાન્‍ડ દરમ્‍યાન આરોપીઓને જુદી જુદી જગ્‍યાએ લઈ જઈ માંગરોળ નજીકના શીલ પોલીસ સ્‍ટેશનની લોકઅપમાં રાખી વિવિધ એંગલથી તપાસ, પૂછપરછ હાથ ધરી હતી.

ગઈકાલે ૭ ઓગસ્‍ટ બુધવારે રિમાન્‍ડ પુરા થતા આરોપીઓને ફરી ડીવાયએસપી કોડીયાતરે રાજકોટ ખાતેની ગુજસીટોક કોર્ટમાં રજુ કરતા અદાલતે વધુ રિમાન્‍ડની માગણી ફગાવી દઈ ચારેય આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.

જ્‍યાં એસપી કક્ષાની જેલ હોય ત્‍યાં જ આવા ગંભીર ગુનાના આરોપીને રાખવાના હોય પરંતુ રાજકોટ, અમદાવાદ અને વડોદરાની જેલમાં જગ્‍યા ન હોવાથી રાજુ સોલંકી સહિત ૪ આરોપીને સુરતની લાજપોર જેલમાં મોકલી આપવામાં  આવ્‍યા હતા.

બીજી તરફ ૫મો આરોપી જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી  જૂનાગઢ જેલમાં હોય ગુજસીટોક કોર્ટે તેનો જેલમાંથી કબજો મેળવવા મંજૂરી આપી દીધી હોવાનું તપાસનીશ ડીવાયએસપી ડી. વી. કોડીયાતરે જણાવ્‍યું હતું

(12:16 PM IST)