News of Thursday, 8th August 2024
ધ્રોલના મોટા ઇટાળામાં સાઇટ પર ચેકીંગમાં ગયેલા આરએનબીના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર પર કોન્ટ્રાક્ટરનો જીવલેણ હુમલો
બ્રિજના કામમાં સિમેન્ટ નિયમ મુજબ વાપરો તેવું કહેતા મામલો ઉગ્ર બન્યો કોન્ટ્રાક્ટરને સમજાવવા જતાં ઉશ્કેરાયેલા કોન્ટ્રાક્ટરે ઇજનેર મારમાર્યોઃ બાંધકામના કોન્ટ્રાક્ટર અને તેના અન્ય છ સાગરીતો સામે હુમલો કરી હત્યા પ્રયાસ અંગે તેમજ ફરજમાં રૂકાવટ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો

ધ્રોલ-જામનગર,તા. ૮: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામમાં એક સાઇટ પર કામ ચાલી રહ્યું હતું, જે સ્થળે નિરીક્ષણ માટે ગયેલા આરએનબી વિભાગના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર પર કોન્ટ્રાક્ટરે અચાનક હુમલો કરી દેતાં ભારે દોડધામ થઈ હતી.
એટલું જ માત્ર નહીં, અધિકારીને કારની નીચે કચડી નાખવાનો પ્રયાસ કરી કોન્ટ્રાક્ટરે તેના ૬ થી ૭ સાગરીતો ની મદદથી ધોકા વડે હુમલો કરી ઘાયલ કરી દીધા હતા.
જે મામલે ધ્રોલ પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટર અમિત ઝાલા અને તેના સાગ્રિતો સામે નાયબ કાર્યપાલક ઈજનેરની હત્યાનો પ્રયાસ કરવા અંગે તેમજ ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવામાં આવી છે. સમગ્ર મામલે ધ્રોલ પોલીસ તપાસ ચલાવે છે.
ધ્રોલ પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર નિલેશરાજ સિંહ બારડ કે જેઓ નવા બંધાઈ રહેલા બ્રિજની સાઈટની વિઝીટ પર ગયા હતા, જ્યાં કામ સારું થતું ન હોવાથી અને સિમેન્ટ ના ઉપયોગ મામલે જરૂરી સૂચના આપવા જતા હાજર રહેલા કોન્ટ્રાક્ટર અમિત ઝાલાએ તકરાર કરી ઝપાઝપી કરી હતી.
જેણે ધમકી આપી હતી, કે તમને અહીં જમીનમાં દાટી દેવા છે. જેથી તેઓના ભય ના કારણે અધિકારી ગામ તરફ ભાગવા જતાં કોન્ટ્રાક્ટરે પોતાની ક્રેટા કાર લઈને અધિકારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
જેથી તેઓ દોડીને ઓટલા પર ચડી ગયા હતા. દરમિયાન કોન્ટ્રાક્ટર અમિત ઝાલા અને તેના છથી સાત સાગરીતો લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા, અને આડેધડ હુમલો કરી દીધો હતો, જેમાં હાથ- પગ, પીઠ અને માથાના ભાગે ઇજા થઈ હતી. જેથી તેઓને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવી પડી હતી.
ત્યારબાદ મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કોન્ટ્રાક્ટર અમિત ઝાલા અને તેના ૬ થી ૭ સાગરીતો સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
જે ફરિયાદના અનુસંધાને ધ્રોલ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ હાથ ધરાઈ છે. સમગ્ર મામલે ધ્રોળના પી.એસ.આઇ પી.જી. પનારા વધુ તપાસ ચલાવી રહ્યા છે. (તસ્વીર-અહેવાલઃ સંજય ડાંગર (ધ્રોલ), મુકુંદ બદિયાણી- કિંજલ કારસરીયા (જામનગર)
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
