તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
ગોંડલના રાણસીકીમાં ભાવેશભાઇ પાનસુરીયાના ખેતરમાંથી ૧.૬૦ લાખની બે ગાભણી ભેંસની ચોરી
એક કાળી અને એક ભુરી હતીઃ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવી

રાજકોટ તા. ૬: ગોંડલ તાબેના સુલતાનપુર પોલીસ મથક હેઠળના રાણસીકી ગામે તસ્કરો ખેડૂતના ખેતરમાંથી ૧,૬૦,૦૦૦ની કિંમતની બે ગાભણી ભેંસ ચોરી જતાં ચર્ચા જાગી છે. આ મામલે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં તપાસ શરૂ કરવામાં આવી છે.
રાણસીકી ગામે પ્રાથમિક શાળાની બાજુમાં રહેતાં ભાવેશભાઇ પોપટભાઇ પાનસુરીયા (ઉ.વ.૪૦) નામના ખેડુતે ફરિયાદ નોંધાવી છે કે તે ખેતી અને પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. તેને રાણસીકીમાં દેરડી રોડ પર છ વીઘા જમીન છે, બીજી પાંચ વીઘા મેઘા પીપળીયા રોડ પર છે. ખેતરમાં એકાદ વર્ષથી બે ભેંસ રાખી હતી. જમાં એક દોહવા દેતી હતી અને બીજી વીયાવાની હતી. ગામમાં જગ્યા ન હોઇ જેથી ખેતીની જમીન કે જે દેરડીના માર્ગે છે ત્યાં બે ઢાળીયા બનાવી તેમાં ભેંસો બાંધી હતી. ગત ૨૨/૭ના રોજ રાતે સાડા આઠેક વાગ્યે ભેંસોને નિરણ નાખ્યુ ત્યારે ત્યાં જ હતી.બીજા દિવસે સવારે વાડીએ જતાં બે ભેંસો જોવા મળી નહોતી. જેમાં એક ભેંસ કાળી અને નવ મહિનાની ગાભણી હતી, તેના શીંગડા કુંડલા હતાં અને તેની કિમત ૯૦ હજાર હતી. જ્યારે બીજી ભેંસ ભુરા કલરની હતી અને એક માસની ગાભણી હતી, તે દોહવા દેતી હતી. તે દાતરડા શીંગડાવાળી હતી. તેની કિમત ૭૦ હજાર હતી. આ બંને ભેંસ ૧,૬૦,૦૦૦ની કોઇ ચોરી ગયું હતું. શોધખોળ કરવા છતાં ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ભાવેશભાઇએ કહેતાં સુલતાનપુર પોલીસ મથકના પીએસઓ સાધનાબેને ગુનો નોંધતા વધુ તપાસ એએસઆઇ એચ. બી. ગરેજાએ હાથ ધરી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
