<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ખંભાળીયામાં જર્જરીત મકાન પડતા મોતને ભેટેલ દાદી અને ર પૌત્રીની સાંજે અંતિમવિધી

પિડીતો દોઢેક કલાક બચાવો...બચાવો...ની બુમો પાડતા રહયાઃ જર્જરીત મકાન ઉપરથી ધ્રુજતુ હતું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૪: ખંભાળીયામાં રાજડા રોડ પર મોહન પાનવાળાની દુકાન પાસે અશ્વીનભાઇ જેઠાભાઇ કણઝારીયા સતવારા ચાની કેબીન કરીને ધંધો કરતા હતા અને ત્‍યાંથી નજીક બજાર જતાં રસ્‍તા પર રસીક પાનવાળાની જુની દુકાનની સામે અગાઉ જયાં ડીકુબેન રાજડાનું મકાન જેમાં બાલમંદીર ચાલતું હતું. તેમાં ૪૦ વર્ષથી રહેતા હતા. આ મકાન ૧૦૦ વર્ષથી વધુ જુનુ અને જર્જરીત થઇ ગયેલું ત્રણ માળનું હતું. ગઇકાલે સાંજે આ ત્રણ માળનું મકાન કે જેનો પાછળનો ભાગ ખુબ જ જર્જરીત થઇ ગયેલો તથા લાકડાના પાપડા પેઢીયાવાળુ છત પાકી ના હોય તેવું ત્રણ માળનું હતું તે ધડાકાભેર તુટી પડયું હતું. જેમાં દાદી કેશરબેન અને ર પૌત્રીઓ મોતને ભેટી હતી.

ત્રણ માળના અતિ જર્જરીત મકાન પડાવની જાણ થતા ખંભાળીયા પાલીકા ફાયર બ્રિગેડ સાથે એન.ડી.આર.એફ.ની ટુકડી પણ ઘટના સ્‍થળે પહોંચી ગઇ હતી તથા તેમના માર્ગદર્શન હેઠળ કામગીરી થઇ હતી તથા તેમણે મૃતકોને કાઢવા ખુબ જહેમત ઉઠાવી હતી.

સતવારા સમાજમાં બનેલી આ કરૂણ દુર્ઘટના કે જે આ વર્ષના ચોમાસામાં દ્વારકા જીલ્લામાં માનવ મૃત્‍યુની પ્રથમ છે. આ ઘટનામાં મૃતકોની અંતિમયાત્રા બપોરે ચાર વાગ્‍યે નીકળશે.

મૃતક કેશરબેનની દીકરી તીવંડી મુંબઇ હોય ત્‍યાંથી તેઓ ખંભાળીયા આવવા નીકળી ગયા હોય તેઓ આવે તે પછી ત્રણેયની સાથે અંતિમયાત્રા નીકળશે.

કાટમાળ નીચે પડયા પછી પણ આ ત્રણ મૃતકો  બચી ગયા હોય તેમની ઉપર કાટમાળ હોય બચાવો બચાવોની દર્દભરી બુમો તેમણે દોઢેક કલાક પાડી હતી પણ અત્‍યંત સાંકડા રસ્‍તા પરથી જેસીબી પહોંચીને કામગીરી કરતા જયાં ફસાયા હતા ત્‍યાં સુધી પહોંચતા બે કલાક જેવો સમય થઇ જતા આ ત્રણેયના ફસાઇ ગયેલ સ્‍થિતિમાં જ મોત નિપજયા હતા.

આ મકાનની પડોશમાં રહેતા લોકોના કહેવા મુજબ આ મકાનનો ઉપરનો માળ જર્જરીત થઇ ગયો હતો તથા ટેકાના લાકડા ધ્રુજતા હતા. ગઇકાલે બપોરે પણ આ મકાન હલતુ હતુ અને રીપેરીંગ માટે લોખંડ પાઇપ વિ. પણ રાખ્‍યા હતા પણ ભારે વરસાદથી જુનુ જર્જરીત મકાન પડી ગયું.

(2:19 PM IST)