તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
જસદણના વીરનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ:વૃક્ષારોપણ
"એક વૃક્ષ માતાના"નામે કાર્યક્રમ અંતર્ગત ગામ લોકોએ પોતાના માતા સાથે વૃક્ષો વાવ્યા:સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરીયાએ પણ વૃક્ષારોપણ કર્યું

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા18 : સમગ્ર વિશ્વમાં પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ અપીલ"એક પેડ માં કે નામ"અંતર્ગત જસદણના વીરનગર ગામે સાંસદ પરસોત્તમ રૂપાલા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદ રૂપાલાએ એક વૃક્ષ માતાના નામે અભિયાનમાં દરેકે સહભાગી થવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વૃક્ષો વાવવાની અપીલ કરી છે ત્યારે આંખોની સારવાર માટેની ઓળખ ધરાવતા વીરનગર ગામને હરિયાળા ગામની પણ ઓળખ આપવાની જવાબદારી ગામ લોકોની બને છે.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાંચ ગ્રામજનોને વૃક્ષો આપવામાં આવ્યા હતા તેઓએ તેમની માતાઓના હસ્તે બાલા હનુમાનજી મંદિરના પટાંગણમા વૃક્ષારોપણ કર્યું હતું.
વન વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જસદણ વિંછીયા પંથકમાં આ વર્ષે 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યુ છે જેમાં અત્યાર સુધીમાં 32 હજાર રોપાઓનું જુદી જુદી જગ્યાએ વાવેતર થઈ ચૂક્યું છે બાકીનો લક્ષ્યાંક પણ પૂરો કરવામાં આવશે.
સાંસદ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં વીરનગરમાં આંખની હોસ્પિટલમાં માનવ સેવા કરનાર ડો.અધવરયુ ને યાદ કરી અનેક લોકોને આંખોની રોશની પ્રદાન કરવા તેમની સેવા ને બીરદાવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ, ડીડીઓ,આરોગ્ય અધિકારીઓ,વન વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને વીરનગરના જ દક્ષાબેન રાદડિયા,તેમના પતિ અને વીરનગરના પૂર્વ સરપંચ પરેશભાઈ રાદડિયા,અરજણભાઈ રામાણી જિલ્લા ભાજપના મહામંત્રી હરેશભાઈ હેરભા,પૂર્વ મહામંત્રી મનસુખભાઈ રામાણી,શાંતુભાઇ ધાધલ,ભીખાભાઈ રોકડ,વલ્લભભાઈ રામાણી સહિત ના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
