<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

ફરાર થયા બાદ નીતા ચૌધરી લીંબડીના ભલગામડા ગામે છુપાઈ'તીઃ એટીએસએ ચર્ચાસ્‍પદ લેડી કોન્‍સ્‍ટેબલને ઝડપી

કોના રાઝ ખુલશે? ગ્‍લેમરસ લાઈફ સ્‍ટાઈલ ધરાવતી હાઈફાઈ લેડી કોન્‍સ્‍ટેબલના ઉચ્‍ચ સંપર્કોના છેડા કયાં પહોંચે છે?

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : રાજ્‍યમાં પાવરફુલ ગણાતા સીઆઈડી ક્રાઇમ જેવા પોલીસ ફોર્સમાં રહીને દારૂ, બીયર અને વોન્‍ટેડ બુટલેગર સાથે ઝડપાયેલ લેડી કોન્‍સ્‍ટેબલ નીતા ચૌધરી તેની ગ્‍લેમરસ હાઈફાઈ લાઈફ સ્‍ટાઈલ થકી સતત ચર્ચામાં છે.

  તેમાંયે ભચાઉ કોર્ટ દ્વારા પોલીસ ટીમ ની હત્‍યાના પ્રયાસના કેસમાં જામીન નામંજૂર થયા બાદ નીતા ચૌધરી ફરાર થતાં આ કેસ વધુ ચર્ચામાં રહ્યો. જોકે, પૂર્વ કચ્‍છ પોલીસને હાથતાળી આપનાર નીતા ચૌધરી અંતે એટીએસના હાથે ઝડપાઈ ગઈ હતી.

 ગઇકાલે સૌરાષ્‍ટ્રના સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ગામેથી નીતા ચૌધરી ઝડપાઈ હતી. તે તેની સાથે હત્‍યાના પ્રયાસના ગુનામાં આરોપી રહેલ યુવરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા ના સબંધીઓ ને ત્‍યાં છુપાઈ હોવાનું ચર્ચામાં છે. મૂળ બનાસકાંઠાની પરિણીત નીતા વશરામ ચૌધરીને સંતાનમાં એક પુત્ર છે તેમ જ તેના પિયર અને સાસરિયા બન્ને બનાસકાંઠામાં જ છે. તે ગાંધીધામ (કચ્‍છ) માં સીઆઈડી ક્રાઈમ માં હેડ કોન્‍સ્‍ટેબલ તરીકે નોકરી કરતી હતી.

 પૂર્વ કચ્‍છ પોલીસે વોન્‍ટેડ આરોપી યુવરાજસિંહ જાડેજા સાથે તેને ભચાઉના ચોપડવા ગામેથી ઝડપી હતી. થાર જીપમાં સવાર યુવરાજસિંહ અને નીતા બન્ને પાસેથી દારૂ, બીયર ઝડપાયા હતા. તેમ જ તેમણે પોલીસ ટીમ ઉપર જીપ ચડાવી કચડી નાખવા અંગે હત્‍યાના પ્રયાસ નો ગુનો નોંધાયો હતો. આ કેસમાં જામીન નામંજૂર થયા બાદ નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી.

  જોકે, આ લેડી પોલીસ કોન્‍સ્‍ટેબલ તેની ગ્‍લેમરસ લાઇફ સ્‍ટાઇલ સાથેના રીલ તેમ જ બિન્‍દાસ્‍ત અદામાં કૉમેન્‍ટ મૂકવાના કારણે સોશ્‍યલ મીડિયામાં સતત છવાયેલી છે. એ સાથે જ એક સામાન્‍ય લેડી કોન્‍સ્‍ટેબલ કરતાં તેની હાઈફાઈ લાઈફ સ્‍ટાઈલ અંગે તેના ઉચ્‍ચ સંપર્કો ચર્ચામાં છે. જોકે, હવે નીતા ચૌધરીની પૂછપરછમાં શું નીકળે છે એ જોવું રહ્યું.

(2:14 PM IST)