તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
જામનગરના નાના એવા નારણપુર ગામનાં ખેડૂત પુત્ર અંકિત ચાંદ્રાની એર કમાન્ડીંગ ઓફિસર તરીકે નિમણૂંક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧ર : જામનગરના નારણપુરના ખેડૂત પરિવારના અંકિત ચાંદ્રાની કમાન્ડીંગ ઓફિસર તરીકે નિમણુંક થતા સર્વત્ર ખુશાલી છવાઇ છે.
જામનગરના નારણપુરના ખેડૂત ભાનુશાળી સુભાષભાઈ ધિરજલાલ ચાંદ્રાએ ખેતી કરતા-કરતા વર્ષ ૨૦૦૪માં જામનગર વસવાટ કર્યો અને કરિયાણાની દુકાન માંડી ગુજરાન ચલાવતા ત્યારે સુભાષભાઈ અને અરુણાબેને પોતાના બન્ને પુત્ર અંકિત અને મિલનને ભણાવવામાં ખાસ ધ્યાન આપ્યું. પરિણામ સ્વરૂપ આજે અંકિત એરકમાન્ડિંગ ઓફિસર બન્યો છે ત્યારે મિલન લંડનમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે ફરજ બજાવી રહયો છે.
એરકમાન્ડિંગ ઓફિસર તરીકે બેંગ્લોર ખાતે પ્રમોશન સાથે પદવી એનાયત થતા તેના પરિવારમાં અને સમગ્ર હાલાઈ ભાનુશાળી ચાંદ્રા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે અંકિત ચાંદ્રાએ જણાવ્યું હતું કે મારા પપ્પા અને અમારો પરિવાર ૨૦૦૪ સુધી જામનગરથી ૧૦ કિ.મી.દૂર નારણપુર રહેતો હતો. મારા પપ્પા ખેતીકામ કરતા હતાં. ત્યારપછી ૨૦૦૪માં અમે જામનગર રહેવા આવ્યા અને પપ્પાએ નાનકપુરી વિસ્તારમાં કરિયાણાની દુકાનથી પોતાનું કામકાજ શરૂ કર્યું હતું અને મને અભ્યાસ માટે જામનગરની ઈન્ફન્ટરી લાઈનમાં આર્મી સ્કૂલમાં અભ્યાસ માટે મુકેલ હતો ત્યાં મેં ૧૦ ધોરણ સુધી ભણ્યો અને ત્યાંથી હું ૧૧માં ધોરણમાં જામનગરના એરફોર્સમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય-૧માં મેં મારું આગળનું શિક્ષણ લીધું. ત્યારબાદ મહેસાણા સ્થિત યુ.વી.પટેલ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાંથી કોમ્પ્યુટરિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા-કરતા છેલ્લાં વર્ષે જ મેં ભણવાની સાથે યુપીસીની પરીક્ષા આપી અને તેમાં હું પાસ થઈ જતા ૨૦૧૨માં મેં એરફોર્સ જોઇન્ટ કર્યું હતું અને ત્યાં મને સૌપ્રથમ પોસ્ટિંગ કાશ્મીરના શ્રીનગર ખાતે મળ્યું હતું અને તે સમયે કાશ્મીરમાં ભારે વરસાદ થતા એરફોર્સ દ્વારા ‘મેઘરાહત' અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં અમે લોકોએ મોટાપ્રમાણમાં કાશ્મીરીઓની વહારે ગયા હતા અને તેઓને સલામત સ્થળે પહોંચાડવાનું કાર્ય કર્યું હતું જે મારી જિંદગીનો યાદગાર અનુભવ છે. ૧૨વર્ષની સર્વિસ દરમિયાન મેં આઇઆઇટી હૈદ્રાબાદથી એમટેક કર્યું. જેના પરિણામ સ્વરૂપે આજે હું એરફોર્સમાં એરકમાન્ડિંગ ઓફિસર તરીકે સ્થાન પામ્યો છું. અંકિત પોતે પત્ની પુનમ અને પુત્ર વેદાંત સાથે બેંગ્લોર રહે છે અને આવનાર દિવસોમાં દેશ માટે મહત્વની ભૂમિકા ભજવવા મળે તેવી તિવ્ર ઇચ્છા છે. (
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
