<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

રાજકોટ ગેમ ઝોન સહિત વડોદરા ઉના, સુરત, અમદાવાદની ઘટનાઓમાં લોકોને ન્યાય નથી મળ્યો: મુકુલ વાસનીક

કોંગ્રેસના નેતાઓ આકરા પાણીએ : ભાજપ સામે પ્રહારો કરી આગામી વિધાનસભા ચુંટણી જીતવા કર્યો હુંકાર : આજે સાંજે મોરબીમાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : લોકસભાની ચુંટણીમાં સારા દેખાવ બાદ કોંગ્રેસે લોકસભા પછી હવે રાજ્ય અને જિલ્લા સ્તરે ભાજપને ભીડવવા પ્રયાસો શરૂ કર્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક અને સહ પ્રભારી બી.કે. સંદીપજી એ સ્થાનિક જિલ્લાઓનો પ્રવાસ શરૂ કરી જિલ્લા સ્તરના સંગઠનો સાથે બેઠક શરૂ કરી છે.

       આજે કચ્છના ગાંધીધામમાં જિલ્લા કોંગ્રેસના સંગઠન સાથેની બેઠક દરમ્યાન યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત મોડેલ સામે સવાલ ઉઠાવતા તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં બનેલ અલગ અલગ ઘટનાઓમાં લોકોને હજીયે ન્યાય મળ્યો નથી. રાજકોટ ગેમઝોન જેવી જ ઘટનાઓ વડોદરા, સુરત, અમદાવાદ અને ઉનામાં બની ચૂકી છે પરંતુ લોકોને હજીયે ન્યાય મળ્યો નથી.

            સાંસદ ઊપ્રાંત કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સંભાળતા મુકુલ વાસનીકે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી વતી અમે સૌ કોંગ્રેસના આગેવાનો મહોબ્બત નો પયગામ લઈ લોકો સુધી પહોંચી રહ્યા છીએ. હવે, કોંગ્રેસનું આગામી લક્ષ્ય રાહુલ ગાંધીએ કરેલ વાત મુજબ ગુજરાતની આગામી વિધાનસભા ચુંટણી જીતવાનું છે.

            આ પત્રકાર પરિષદમાં ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી બી.કે. સંદીપજી ઉપરાંત પ્રદેશ મહામંત્રી આદમ ચાકી, વી.કે. હુંબલ, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ચેતન જોશી, પ્રવકતા ઘનશ્યામસિંહ ભાટી, ગની કુંભાર, પી.સી. ગઢવી ઉપરાંત પ્રદેશના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(1:41 PM IST)