<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

પોરબંદરના ખંભાળાની કન્‍યા છાત્રાલયમાં ઝેરી અસર થયેલ તમામ વિદ્યાર્થિનીઓ ભય મુકત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧: ખંભાળાની કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય-છાત્રાલયની ર૧ વિદ્યાર્થિનીઓને પાણીપુરી અને ઇડલી ખાધા બાદ ઝેરી અસર થતાં રાણાવાવ રસકારી હોસ્‍પિટલે ખસેડાયેલ હતી. અને સારવાર બાદ તમામ વિદ્યાર્થીનીઓ ભયમુકત જણાતા તેઓને હોસ્‍પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

રાણાવાવ તાલુકાના ખંભાળા ગામ ખાતે આવેલ કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રાત્રીના વિદ્યાર્થીનીઓએ પાણીપુરી અને ઈડલીનું ભોજન કર્યું હતું. દીકરી ઓએ પાણીપુરી અને ઈડલીનું ભોજન કર્યું હોવાના કારણે ર૧ દીકરીઓને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેથી રાણાવાવની સરકારી હોસ્‍પિટલ ખાતે દીકરીઓને સારવાર માટે તુરંત જ લઈ જવામાં આવી હતી.

આ અંગેની જાણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વી.કે. પરમારને કરવામાં આવી હતી, જેથી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ ભોજન લીધેલ તમામ દીકરીઓને સારવાર આપવાની તુરંત જ સુચના આપી દીધી હતી. અને જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમાર પણ ગંભીરતાને ધ્‍યાને લઈ રાણાવાવની સરકારી હોસ્‍પિટલ ખાતે પહોંચી ગયા હતા. તેઓએ ફૂટ પોઇઝનિંગની અસર થયેલ દીકરીઓને સારવાર અપાવવાની સાથે ભોજન લીધેલ અન્‍ય તમામ દીકરીઓના આરોગ્‍યની પણ ચકાસણી કરાવી હતી.

હાલ ઝેરી અસર થયેલ તમામ દીકરીઓની તબિયત સારી છે, અને પરત છાત્રાલય ખાતે પણ લઈ આવવામાં આવ્‍યા છે. જેથી કોઈ વાલીઓ ચિંતા ન કરે તેવી અપીલ કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના કોર્ડીનેટર વૈશાલીબેન પટેલ દ્વારા કરવામાં આવી છે.

(1:27 PM IST)