તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 11th July 2024
હવે નીતા ચૌધરી ફરાર : સીઆઇડી ક્રાઇમની લેડી કોન્સ્ટેબલ કયાં ઉડી ગઇ ?
પૂર્વ કચ્છ પોલીસ ઉંધે માથે, પિયરે નથી, સાસરિયે નથી, દેશમાં કે વિદેશમાં ? સસ્પેન્ડેડ ગ્લેમરસ લેડી કોન્સ્ટેબલના ઉચ્ચ સંપર્કો ફરી ચર્ચામાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : પોલીસ ટીમ ઉપર થાર જીપ ફેરવી હત્યા કરવાના પ્રયાસમાં વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સાથે ઝડપાયેલ સીઆઈડી ક્રાઈમની લેડી કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી તેની ગ્લેમરસ લાઇફ તેમ જ ઉચ્ચ સંપર્કો થકી ચર્ચામાં છે.
સીઆઈડી ક્રાઇમ જેવી મહત્વની પોલીસ ફોર્સની આ લેડી કોન્સ્ટેબલનો હાઈફાઈ અંદાજ, લકઝરિયુસ લાઇફ સ્ટાઇલ સોશ્યલ મીડિયા ઉપર દેખાતો હતો. દારૂ, બિયરના જથ્થા સાથે વોન્ટેડ ગુનેગાર સાથે ઝડપાયેલ લેડી કોન્સ્ટેબલ ના નીચલી કોર્ટે હત્યાના પ્રયાસમાં મંજૂર કરેલા જામીન પૂર્વ કચ્છ પોલીસની મથામણ પછી સેશન્સ કોર્ટ દ્વારા રદ્દ કરાયા. પરંતુ, પૂર્વ કચ્છ પોલીસ ફરી એક વાર નીતા ચૌધરી માટે દોડતી થઈ ગઈ છે. જામીન રદ્દ કરાયા બાદ તે આદિપુર પોલીસ લાઈનમાં તેના ઘેરથી ફરાર થઈ ગઈ છે.
પોલીસે તેના આદિપુર ઘરમાં તાળું મારેલું જોઈ તેના બનાસકાંઠા સ્થિત પિયરીયે અને સાસરિયે તપાસ કરતા નીતા ચૌધરી મળી નથી. તેનો પતિ તેના બાળક સાથે બનાસકાંઠામાં રહે છે અને સ્થાનિક રાજકારણમાં સક્રિય છે. જયારે ગાંધીધામમાં હાઈફાઈ લાઇફસ્ટાઇલ સાથે રહેતી નીતા ચૌધરી ગઈ ક્યાં? ફરી એક વાર તેના ઉચ્ચ સંપર્કો ચર્ચામાં છે. તો નીતા ચૌધરીના પાસપોર્ટ બાબતે પણ ચર્ચા છે.
સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી દેશમાં છે કે વિદેશમાં એ ચર્ચા વચ્ચે પોલીસ તેને શોધવા ઉંધે માથે છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
